ચોરાઉ ચેઇનનો ઢાળિયો બનાવનાર સોની વેપારી પણ આરોપી : મુદ્ામાલ રિકવર
રાજકોટના લક્ષ્મીવાડી રોડ પર પરિણીતાના ગળામાંથી 50 હજારના સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર તસ્કર બેલડી અને ચોરાઉ ચેઇન ખરીદનાર સોની વેપારીને ભક્તિનગર પોલીસે દબોચી લઇ સોનાનો ઢાળિયો અને એક્સેસ મળી 1.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રાજકોટના લક્ષ્મીવાડીમાં રહેતા શિલ્પાબેન માનસેતાએ ચીલઝડપ અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ અને એસીપી બી વી જાદવ દ્વારા તાત્કાલિક ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એસ પી સોઢાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ એચ ગોહિલની ટીમે તપાસ શરુ કરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મયુરદાન બાટી, કોન્સ્ટેબલ રવિભાઈ રતનુ, યોગીરાજસિંહ જાડેજા અને પ્રકાશભાઈ મકવાણાને મળેલી બાતમી આધારે જિલ્લા ગાર્ડન બગીચામાં દરોડો પાડી ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર બેલડીને સકંજામાં લઇ નામઠામ પૂછતાં ચુનારાવાડના લખન બચુભાઈ માલાણી અને વિશાલ કિશન સોલંકી હોવાનું જણાવતા અટકાયત કરી એક્સેસ કબ્જે કર્યું હતું બેલડીએ ચેઇન રમેશ પાટડીયા નામના સોની કામ કરતા શખ્સને વેંચી નાખ્યાની કબૂલાત આપી હતી સોની કામ કરતો શખ્સ આજે સોનાનો ઢાળિયો આપવા આવવાનો છે તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે સોની કામ કરતા શખ્સ રમેશ વીરચંદ પાટડીયાને પકડી બિલ વિના ચોરીની વસ્તુ ખરીદવા મામલે પકડી તેની પાસેથી 74,800નો સોનાનો ઢાળિયો કબ્જે કર્યો હતો.
