જસદણમાં સીટ કવરની દુકાનમાંથી 692 ગ્રામ ગાંજા સાથે મૂળ બાબરાના શખ્સની ધરપકડ

રાજકોટ જિલ્લાની એન્ટી નાર્કોટિક્સ વિંગનો પ્રથમ દરોડો : અગાઉ છ ગુનામાં પકડાઈ ચુક્યો છે

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઇ જે એચ ખાચરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી જે ઝાલાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડને મળેલી બાતમી આધારે જસદણમાં ખાનપર રોડ પર આવેલી ડિલકસ સીટ કવર નામની દુકાનમાં દરોડો પાડી તપાસ કરતા રૂપિયા 34,600નો 692 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો આ જથ્થો, મોબાઈલ ફોન સહિત રૂપિયા 39,600 નો મુદ્દામાલ કબજે કરી ધંધાર્થી અફઝલ હનીફભાઈ સોલંકી ઉ.25 વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસે મૂળ બાબરાના હાલ જસદણમાં રહેતા શખસની પૂછતાછ કરતા ગાંજાનો જથ્થો તેને જસદણના વડલાવાડીમાં રહેતા મનોજ ઉર્ફે જોન મહેશભાઈ જેઠવાએ આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ બંને શખસો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી માદક પદાર્થની સપ્લાય કરનાર મનોજ ઉર્ફે જોનને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે ગાંજા સાથે ઝડપાયેલા અફઝલ સોલંકી સામે અગાઉ બાબરામાં મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે મનોજ ઉર્ફે જોન સામે જસદણ, ભાડલા અને ગોંડલ પોલીસ સ્ટેશનમાં દારૂ- જુગાર સહિતના છ ગુના નોંધાઈ ચૂક્યા છે.

રિલેટેડ ન્યૂઝ