ક્રેડિટકાર્ડમાં હેલ્થ ઈન્સ્યોરન્સ ચાલુ હોવાનું કહી વેપારીના ખાતામાંથી 2.25 લાખ સેરવી લીધા

ગોંડલમાં સાયબર ફ્રોડનો બનાવ સામે આવ્યો : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગોંડલ શહેરમાં સાયબર ભેજાબાજોએ એક વેપારીને નિશાન બનાવી રૂ. 2.45 લાખની છેતરપિંડી આચરી હોવાનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગઠિયાઓએ ક્રેડિટ કાર્ડ પર હેલ્થ ઇન્સ્યોરન્સનો ચાર્જ લાગશે તેવી ભીતિ બતાવી, એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આ ઠગાઈ કરી છે.
ગોંડલના પેલેસ રોડ પર રાધા કૃષ્ણનગરમાં રહેતા અને ગુદાળા શેરી સ્થિત તિરુમાલા શોપિંગ મોલમાં ’સાંઇ ડ્રેસીસ’ નામની દુકાન ચલાવતા 49 વર્ષીય સુનીલભાઈ બાલુભાઇ લાલવાણીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત તા. 9ના રોજ સુનીલભાઈ પોતાની દુકાને હતા ત્યારે તેમના પર એક અજાણ્યા નંબર (9288103783) પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે હિન્દીમાં વાત કરી પોતાની ઓળખ ઇન્ડસઇન્ડ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે આપી હતી. તેણે વેપારીને જણાવ્યું હતું કે, તમારા ક્રેડિટ કાર્ડમાં હેલ્થ ઇન્સ્યોરન્સ એક્ટિવ છે, જેને ચાલુ રાખવા માટે દર ત્રણ મહિને રૂ. 5400નો ચાર્જ લાગશે. આ સાંભળીને સુનીલભાઈએ સ્પષ્ટ ના પાડતા કહ્યું હતું કે, તેમને આ કાર્ડ લાઈફ ટાઈમ ફ્રી મળેલ છે અને કોઈ ઇન્સ્યોરન્સની જરૂર નથી, તમારે કાર્ડ કેન્સલ કરવું હોય તો કરી નાખો.
ગઠિયાએ કસ્ટમર કેર અધિકારીનો ડોળ કરી વેપારીને વિશ્વાસમાં લીધા અને કહ્યું કે હું તમારા વોટ્સએપ પર બેંકની એક એપ્લિકેશન મોકલું છું, તેમાં લોગીન કરી લો. ત્યારબાદ તેણે ’ઇન્ડસઇન્ડ બેંક ક્રેડિટ કાર્ડ’ નામની એક એપીકે (અઙઊં) ફાઈલ મોકલી હતી. વેપારીએ આ ફાઈલ ઓપન કરી મોબાઈલ નંબર અને નામ જેવી વિગતો નાખી, પરંતુ લોગીન થયું ન હતું. ગઠિયાએ ફરી ફોન કર્યો, પરંતુ વેપારીએ દુકાનમાં ભીડ હોવાનું કહી રાત્રે વાત કરવાનું કહ્યું હતું.
બીજા દિવસે ગઠિયાએ ફરી ફોન કરી વેપારીને જણાવ્યું કે તમારા આ કાર્ડની લિમિટ અન્ય કાર્ડ સાથે જોડાયેલી હોવાથી, લોગીન કરવા માટે તમારે બીજા ક્રેડિટ કાર્ડની વિગતો એડ કરવી પડશે. ત્યારબાદ ગઠિયાએ ફોન ચાલુ રખાવીને વેપારી પાસે એપીકે ફાઈલમાં ક્રેડિટ કાર્ડની તમામ ડિટેલ ભરાવી હતી. વિગતો સબમિટ કરતાની ગણતરીની મિનિટોમાં જ સુનીલભાઈના ફોનમાં રૂ. 2.45 લાખ રૂપિયા કપાઈ ગયાનો ટ્રાન્ઝેક્શન મેસેજ આવ્યો હતો. વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે તરત જ પેલા નંબર પર ફોન કર્યો, પરંતુ તે સ્વીચ ઓફ આવતો હતો. આટલું જ નહીં, શંકાસ્પદ અઙઊં ફાઈલને કારણે વેપારીનો મોબાઈલ ફોન પણ હેક થઈ ગયો હતો, જેથી તેઓ પોતાના ફોનમાંથી અન્ય કોઈને કોલ પણ કરી શકતા ન હતા. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ