ગોંડલની સરકારી જમીન પરથી દબાણ હટાવવા બે આસામીઓને હુકમ કરાયો

દબાણ કરનારાઓ સામે મામલતદાર લાલધૂમ

ગોંડલ ના મોવિયા રોડ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન પર છેલ્લા બે વર્ષથી ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા બે આસામીઓ સામે ગોંડલ મામલતદારે કડક વલણ અપનાવ્યું છે. મામલતદાર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-61 હેઠળ કાર્યવાહી કરીને બંને દબાણદારોને તાત્કાલિક દબાણ દૂર કરવા અને દંડ ભરવા આદેશ કરાયો છે.
મોવિયા રોડ પર રહેતા હનીફભાઈ હાજીભાઈ મોરવાડીયાએ મોજે ગોંડલ-1 ના ખાતા નં. 747, સર્વે નંબર 213 પૈકી 2 વાળી સરકારી પડતર જમીનમાંથી હે. 0-02-00 ચો.મી. જમીનમાં છેલ્લા 2 વર્ષથી વાણિજ્ય (કોમર્શિયલ) હેતુ માટે વગર પરવાનગીએ ગેરકાયદેસર દબાણ કર્યું હતું. જ્યારે આ જ વિસ્તારમાં રહેતા અનવરભાઈ ઘાંચીએ આ જ સરકારી જમીનમાંથી હે. 0-01-50 ચો.મી. જમીન પર છેલ્લા 2 વર્ષથી ઔદ્યોગિક હેતુ માટે વગર પરવાનગીએ કબ્જો જમાવ્યો હતો. મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર તથા રેવન્યુ તલાટી-1 દ્વારા જરૂરી સાધનિક કાગળો તૈયાર કરી દબાણદારો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જુન અને જુલાઈ 2026 દરમિયાન આપવામાં આવેલી નોટિસો અને કોર્ટની સુનાવણી બાદ બંને આસામીઓનું દબાણ સાબિત થતાં મામલતદાર કોર્ટે બંને આસામીઓ પાસેથી રૂ. 250-રૂ. 250 નો દંડ વસૂલવાનો અને જમીનનો કબ્જો તુરંત ખુલ્લો કરવાનો હુકમ કર્યો છે.
સ્વેચ્છાએ દબાણ નહીં હટે તો બળપૂર્વક દૂ2 કરાશે
મામલતદારના હુકમ અનુસાર, દબાણદારોએ દંડની રકમ રેવન્યુ તલાટી-1 ના દફતરે ભરી દઈ સ્વેચ્છાએ દબાણ ખુલ્લું કરવાનું રહેશે. જો દબાણ સ્વેચ્છાએ ખુલ્લું કરવામાં નહીં આવે, તો જમીન મહેસૂલ કાયદાની કલમ-202 મુજબ આસામીઓના ખર્ચે અને જોખમે દબાણ દૂર કરી જમીનનો કબ્જો સરકાર હસ્તક સંભાળી લેવામાં આવશે.
હુકમથી અસંતોષ હોય તો પક્ષકારોને 60 દિવસની અંદર નાયબ કલેક્ટર ગોંડલ સમક્ષ અપીલ કરવાની તક આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ