એરપોર્ટ પર વાતાવરણ ચોખ્ખુ થયા બાદ બન્ને ફ્લાઈટ આવી જેના કારણે મુંબઈ જવા 3 કલાક મોડી પડી
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે હવાઈ વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અને સતત વરસાદને લીધે એરક્રાફ્ટનું સલામત લેન્ડિંગ શક્ય ન બનતા, મુંબઈથી રાજકોટ આવતી સવારની બે મહત્વપૂર્ણ ફ્લાઈટોને વડોદરા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આ અચાનક સર્જાયેલી પરિસ્થિતિને કારણે બંને ફ્લાઈટના 200થી વધુ મુસાફરોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રો પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, એર ઈન્ડિયાની સવારે 08:00 વાગ્યે મુંબઈથી રાજકોટ પહોંચતી ફ્લાઈટ નંબર અઈંઈ 1અઋ ને ખરાબ હવામાનના કારણે રાજકોટમાં ઉતરાણ કરવાની મંજૂરી ન મળતા વડોદરા તરફ વાળવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 100થી વધુ મુસાફરો સવાર હતા. આ ઉપરાંત, ઈન્ડિગો એરલાઈન્સની સવારે 08:40 વાગ્યે મુંબઈથી રાજકોટ પહોંચતી ફ્લાઈટ નંબર ઈંૠઘ 5156 પણ કિલયરન્સ ન મળવાને કારણે વડોદરા ડાયવર્ટ કરાઈ હતી. આ ઈન્ડિગોની ફ્લાઈટમાં પણ 100થી વધુ હવાઈ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. વડોદરા ખાતે ફ્લાઈટ્સ લેન્ડ થયા બાદ, રાજકોટ અને હિરાસર એરપોર્ટ આસપાસ વાતાવરણ ચોખ્ખું થવાની રાહ જોવામાં આવી હતી. હવામાનમાં સુધારો આવ્યા બાદ બંને ફ્લાઈટ વડોદરાથી રાજકોટ આવી પહોંચી હતી. ત્યારબાદ આ બંને ફ્લાઈટોએ રાજકોટથી મુંબઈ જવા માટે પોતાના નિર્ધારિત સમય કરતાં આશરે ત્રણ કલાક જેટલી મોડી ઉડાન ભરી હતી. આ સમગ્ર ઘટનાક્રમને પગલે એરપોર્ટ પર તથા વિમાનમાં રહેલા મુસાફરોને ભારે પરેશાની અને વિલંબનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિસ્તારમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખરાબ વાતાવરણના કારણે અવારનવાર લેન્ડિંગમાં મુશ્ર્કેલીઓ ઊભી થઈ રહી છે. એરપોર્ટ પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હજુ પણ જો વરસાદી વાતાવરણ યથાવત રહેશે તો વધુ ફ્લાઈટ્સ ડાયવર્ટ કે મોડી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જોકે આ અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા હજુ સુધી કોઈ નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
