રાજકોટમાં બેફામ ડીજે આઇસરે પાંચ વાહનોને કચડયા : બાઈકચાલકનું મોત

બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા: બ્રેક ફેઈલ થયાનું ઝડપાયેલા ચાલકનું રટણ

રાજકોટના પારેવડી ચોક ખાતે એક પૂરપાટ ડીજે આઇસર ટેમ્પાએ પાંચેક જેટલા વાહનોને અડફેટે લીધા હતા, જેમાં ટેમ્પા નીચે કચડાઈ જતાં બાઈકચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકો ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં પારેવડી ચોકમાં ભગવતીપરા પુલ પરથી ડીજેનો સામાન ભરી આઇસર ટેમ્પો પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહ્યો હતો. તે દરમિયાન ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવી દેતાં પહેલાં આગળ જતી રિક્ષા ત્યારબાદ બાઈકચાલકને અડફેટે લીધા હતા. બંને વાહનોને અડફેટે લીધા બાદ ટેમ્પાચાલકે આગળ અન્ય બે રિક્ષા અને એક કારને અડફેટે લીધી હતી.
આ અકસ્માતમાં બાઈકચાલક અરુણભાઈ ભગવાનજીભાઈ શાહ (ઉ.વ.62, રહે મોરબી) પરથી આઇસરનું ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા ઇરફાનભાઈ અલીભાઈ તમીમ અને પરેશભાઈ જયસ્વાલભાઈ કુંડલને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનનાર પરેશ વાણિયાએ જણાવ્યું હતું કે, હું ભગવતીપરા તરફથી ઢાળ ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક જ પાછળથી આવતી આઇસરે સીધેસીધી મારી ગાડીને ટક્કર મારી હતી. મારી ગાડી સાઇડમાં ફેંકાઈ ગઈ હતી. આઇસર ચાલક વાહન પરથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને કદાચ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ લાગ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આઇસર ચાલકની અટક કરી છે તથા અકસ્માતનો ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આઇસર ચાલક બ્રેક ફેલ થઈ હોવાનો બચાવ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ