પૌત્રના લગ્નની અડચણો દૂર કરવાના બહાને વૃદ્ધને જાળમાં ફસાવી છેતરપીંડી આચરી
રાજકોટ શહેરના કોસ્મો પ્લસ એપાર્ટમેન્ટ, સાનિધ્ય ગ્રીન વાળી શેરીમાં રહેતા 76 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ અમૃતલાલ છગનલાલ ધુલીયા સાથે વશીકરણ વિધિના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. અમૃતલાલભાઈના પૌત્ર સુજલના લગ્ન થતા ન હોવાથી તેમણે પોતાના ગુરુજી સાથે આ અંગે વાત કરી હતી. ગુરુજીએ મોરબી તાલુકાના શક્ત શનાળા ગામના રહેવાસી નીલેષગર મોતીગર બાવાજી નામના શખ્સનો સંપર્ક કરાવી આપ્યો હતો. આરોપી નીલેષગરે વૃદ્ધનો ફોન પર સંપર્ક કરીને પૌત્રના લગ્ન કરાવી આપવાની વાતો કરી તેમને પોતાના વિશ્વાસમાં લીધા હતા.
આરોપી નીલેષગરે ફરિયાદીને જણાવ્યું હતું કે, છોકરીના મામા લગ્ન માટે સંમત થતા નથી, તેથી તેમને મનાવવા માટે ઘરમાં રહેલા સોનાના દાગીનાનું વશીકરણ કરવું પડશે. આ વિધિ પૂર્ણ થયા પછી જ લગ્નમાં આવતી તમામ નડતર અને અડચણો બંધ થઈ જશે તેવી લાલચ આપી હતી. ભોગ બનનાર વૃદ્ધ તેની વાતોમાં આવી જતાં આરોપી ત્રણ વખત તેમના ઘરે આવ્યો હતો. તેણે સોનાના દાગીના પર વિધિ કરવાનો ઢોંગ કરીને ફરિયાદી પાસેથી 146.430 ગ્રામ સોનાના દાગીના (જેની અંદાજિત કિંમત રૂ. 5,56,713/- થાય છે) વશીકરણ વિધિના બહાને મેળવી લીધા હતા અને છેતરપિંડી આચરીને પલાયન થઈ ગયો હતો.
આ સમગ્ર ઘટના અંગે અમૃતલાલભાઈને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની જાણ થતાં તેમણે આખરે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023 (ઇગજ)ની કલમ 318(2) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. મેડમ દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોલીસ હાલ આરોપી નીલેષગર બાવાજીને ઝડપી પાડવા તેમજ મુદ્દામાલ કબજે કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
