રાજકોટમાં 72 હજારથી વધુની કિંમતના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

એક્ટિવા, રોકડ અને મોબાઈલ મળી 1.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ક્રાઈમ બ્રાંચ તથા સ્થાનિક પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એલ.સી.બી. ઝોન-1 ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ગાંજાના જથ્થા સાથે એક ઈસમને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે માદક પદાર્થ સહિત વાહન, રોકડ રકમ અને મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, એલ.સી.બી. ઝોન-1 માં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરદેવસિંહ વિક્રમસિંહ જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર શેરી નંબર 11, કનૈયા ચોક પાસે આવેલ રોયલ ફ્લોર મિલની સામે જાહેર રસ્તા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન જંગલેશ્વર શેરી નંબર 11 તથા નિલમ પાર્ક ખ્વાજા ચોક પાસે રહેતા 44 વર્ષીય અબ્દુલ ઉર્ફે કુલીયો ભીખુભાઈ ઘાડા નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યો હતો. તેની તલાશી લેતાં કોઈ પણ પાસ, પરમિટ કે કાયદેસરના આધાર વગર વેચાણ કરવાના હેતુસર રાખવામાં આવેલો ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી રૂ. 72,750 ની કિંમતનો 1455 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ગુનામાં વપરાયેલ એક એક્ટિવા મોટરસાયકલ, રોકડા રૂ. 1,120 તથા એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1,23,870 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (ગઉઙજ) એક્ટ 1985 ની કલમ 8(સી) અને 20(બી)(2)(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના અંગે આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલ સાહેબ દ્વારા આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ