17 સ્થળોએ દરોડા પાડી 1.51 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો
રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાંચ (પીસીબી) ના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. આર. ગોંડલીયાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો શહેરમાં સઘન પેટ્રોલીંગમાં હતી. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી અને બાતમીદારોની માહિતીના આધારે પીસીબી સ્ટાફે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર એકસાથે દરોડા પાડવાનું આયોજન કર્યું હતું.
પીસીબી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સઘન ઝુંબેશ દરમિયાન રાજકોટ શહેરના માંડાડુંગર, સ્વાતી પાર્ક મેઈન રોડ, કોઠારીયા ગામ માંધાતા આશ્રમ પાસે, આજીડેમ ચોકડી મફતીયાપરા, શ્રી હરી સોસાયટી, રણુજા મંદિર સામે, એચ.પી. પેટ્રોલપંપ પાસે, સાગરનગર, કૂબલીયાપરા, નવા થોરાળા, મયુરનગર તથા રામનાથપરા ભવાની નગર સહિત કુલ 17 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે રૂા. 1,06,800 ની કિંમતનો કુલ 534 લિટર દેશી દારૂ તથા રૂા. 45,000 ની કિંમતનો 1800 લિટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો મળી કુલ રૂા. 1,51,800 નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડા દરમિયાન ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઉત્પાદન સાથે સંકળાયેલા સ્થાનિક બૂટલેગરો અને મહિલા આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરી પીસીબી પી.આઈ. એમ.આર. ગોંડલીયા, પી.એસ.આઈ. પી.બી. ત્રાજીયા, પી.એસ.આઈ. આર.કે. જાડેજા સહિત એ.એસ.આઈ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ અને સમગ્ર પીસીબી મહિલા તથા પુરૂષ પોલીસ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. રાજકોટ પીસીબીની આ સપાટાબંદી કાર્યવાહીથી શહેરના અસામાજિક તત્વો અને દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે
