રાજકોટમાં કાચ ફિટિંગ કરતી વખતે ત્રીજા માળેથી પટકાતાં યુવકનું મોત

યુવાને અચાનક સંતુલન ગુમાવતા સર્જાઇ ઘટના; પરિવારમાં શોક

રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ નોબેલ ઇલેક્ટ્રિકના ત્રીજા માળે કામ કરી રહેલા એક યુવકનું ઊંચાઈ પરથી નીચે પટકાતાં કરૂણ મોત નિપજવાની ઘટના સામે આવી છે. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના ખીમસર તાલુકાના આચીણા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા 22 વર્ષીય લાલનાથસિંઘ નાથસિંઘ પન્ના નામનો યુવક રાત્રીના આશરે સાડા નવ વાગ્યાના સુમારે રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ નોબેલ ઇલેક્ટ્રિકના ત્રીજા માળે કાચનું ફિટિંગ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક કોઈ અગમ્ય કારણોસર ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. આ દુર્ઘટનામાં યુવકને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તે સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા લાલનાથસિંઘને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ઉપસ્થિત તબીબો દ્વારા તેને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, ગંભીર ઇજાઓના કારણે યુવકની હાલત અત્યંત નાજુક હોવાના કારણે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટના અંગેની માહિતી મળતાં જ ’એ’ ડિવિઝન પોલીસ મથકની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ