પ્રેમ સંબંધમાં તિરાડ પડતા યુવકે ધરાર સબંધ રાખવા ધમકી આપ્યાની ફરિયાદ
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર તરીકે કામ કરતી 20 વર્ષીય યુવતી ઈશાબેન ભરતભાઈ થરેસા દ્વારા પોતાના પૂર્વ પ્રેમી સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
યુવતીના જણાવ્યા મુજબ, જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે રહેતા જતિન મનસુખભાઈ પરમાર નામના યુવક સાથે તેને અગાઉ પ્રેમ સંબંધ હતો. જોકે, જતિનને અન્ય એક યુવતી સાથે પણ પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં ઈશાબેને તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને તેનો નંબર પોતાના મોબાઈલ ફોનમાં બ્લોક કરી દીધો હતો. જતિન પરમાર ગુનાહિત ઈરાદા સાથે યુવતીના ઘરમાં બળજબરીપૂર્વક ગેરકાયદેસર રીતે પ્રવેશી ગયો હતો. ઘરમાં પ્રવેશીને તેણે યુવતીને ઉશ્કેરાઈને ધમકી આપતાં જણાવ્યું હતું કે, “તું મારી સાથે સંબંધ નહીં રાખે અને બીજા કોઈ સાથે લગ્ન કરીશ તો સારું નહીં થાય.” આટલેથી ન અટકતાં તેણે યુવતી તથા તે જેની સાથે લગ્ન કરશે તે સામાવાળા છોકરા બંનેને જીવથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ બનાવ અંગે પીડિત યુવતી દ્વારા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપી જતિન પરમાર સામે કાયદેસરના પગલાં ભરી તેની અટકાયત કરવા માટેની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે.
