‘ઓપરેશન અમાનત’ અંતર્ગત મોબાઈલ, રોકડ, ઘરેણાં તેમજ અન્ય સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળ (RPF ) દ્વારા મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે મુસાફરી દરમિયાન ભૂલી ગયેલા સામાનને સુરક્ષિત પરત સોંપવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ જ ક્રમમાં દ્વારકા પોસ્ટ અંતર્ગત ઓખા આઉટ પોસ્ટ તથા જામનગર રેલવે સુરક્ષા બળ પોસ્ટના જવાનોએ બે મુસાફરોને કુલ રૂા. 1.84 લાખથી વધુ મૂલ્યનો સામાન સુરક્ષિત રીતે પરત કરીને પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તારીખ 19 સપ્ટેમ્બરના રોજ ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસના ઓખા સ્ટેશન પર આગમન બાદ રેલવે સુરક્ષા બળના જવાનો દ્વારા ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન એક બેગ મળી આવી હતી, જેમાં બે મોબાઈલ ફોન અને રૂા.1,200 રોકડા મળ્યા હતા. મોબાઈલ ફોન ચાલુ હાલતમાં હોવાથી રેલવે સુરક્ષા બળના જવાનોએ સંબંધિત મુસાફરનો સંપર્ક કર્યો હતો.
જરૂરી કાગળની કાર્યવાહી અને ઓળખની ચકાસણી બાદ મુસાફર સુધાકર ચોલે (રહેવાસી તેલંગાણા) ને તેમનો સામાન સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો. મળી આવેલા સામાનમાં એપલ કંપનીનો મોબાઈલ ફોન આશરે રૂા.80,000, બીજો મોબાઈલ ફોન આશરે રૂા.20,000, રૂા.1,200 રોકડા તેમજ આશરે રૂા.800 ની કિંમતની બેગ સામેલ હતી. આમ, કુલ રૂા.1,02,000 ની કિંમતનો સામાન મુસાફરને પરત કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં રેલવે સુરક્ષા બળના સબ ઈન્સ્પેક્ટર જાકે ખાન અને કોન્સ્ટેબલ અરૂણની મહત્વની ભૂમિકા રહી હતી. મુસાફરે રેલવે સુરક્ષા બળની તત્પરતા અને પ્રામાણિકતાની પ્રશંસા કરીને આભાર વ્યક્ત કર્યો હતો.
અન્ય એક કિસ્સામાં તારીખ 31 ઓગસ્ટ 2026ના રોજ જામનગર સ્ટેશન પર ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસના જનરલ કોચમાં ચઢતી વખતે એક મહિલા મુસાફરનું પર્સ પડી ગયું હતું. મહિલા મુસાફર દ્વારા રેલ મદદ મારફતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરજ પર તૈનાત રેલવે સુરક્ષા બળના સબ ઈન્સ્પેક્ટર શિવશંકર કટિયાર દ્વારા સ્ટેશન પર તપાસ કરતા પર્સ મળી આવ્યું હતું.
મહિલા મુસાફરને પર્સ મળી ગયાની જાણ કરવામાં આવી હતી અને જામનગર આવીને રેલવે સુરક્ષા બળ કાર્યાલયમાંથી તે મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. તારીખ 19 સપ્ટેમ્બર 2026ના રોજ મહિલા મુસાફર મનોરમા (રહેવાસી મધ્યપ્રદેશ) જામનગર રેલવે સુરક્ષા બળ કાર્યાલય પહોંચ્યા હતા.
પર્સની તપાસ કરતા તેમાંથી વિવો કંપનીનો મોબાઈલ ફોન આશરે રૂા.7,000, ચાંદીના ચાર જોડી સાંકળા (ઝાંઝર) આશરે રૂા.25,000, ચાંદીની ત્રણ જોડી માછલી (વીંછીયા) આશરે રૂા.8,000, સોનાની કાનની બુટ્ટી (ટોપ્સ) આશરે રૂા.40,000, ચાંદીની રાખડી આશરે રૂા.1,000, અન્ય સામાન આશરે રૂા.500 તથા આશરે રૂા.500 ની કિંમતનું લેડીઝ પર્સ મળી આવ્યું હતું. આમ, કુલ સામાનની અંદાજિત કિંમત રૂા.82,000 હતી.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ઉછખ)ગિરિરાજ કુમાર મીના તથા ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વરસિંહે આ પ્રશંસનીય કાર્ય બદલ સંબંધિત રેલવેકર્મીઓની તત્પરતા, પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી.
