વિધાસહાયકની ભરતીની પ્રક્રિયાને આવકારી મહાસંઘે સરકાર સમક્ષ રજૂઆત કરી
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે વિદ્યાસહાયક ભરતી-2026ની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિ. રાજકોટ દ્વારા આ નિર્ણયને શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને હકારાત્મક પગલું ગણાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ વિદ્યાસહાયક ભરતી-2026ના પ્રથમ તબક્કામાં મેરિટમાં આવતા ઉમેદવારો માટે 14 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ઓનલાઇન કોલ-લેટર મેળવવાની પ્રક્રિયા શરૂૂ થશે, જ્યારે જિલ્લા પસંદગી પ્રક્રિયા 21 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનાર છે. જાહેર કરાયેલા માંગણાપત્રક મુજબ સામાન્ય પ્રવાહમાં જિલ્લા કક્ષાની 9,545 તથા નગર કક્ષાની 353, એમ કુલ 9,898 જગ્યાઓ દર્શાવવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લા અને નગર કક્ષાની મળીને કુલ 1,102 જગ્યાઓ દર્શાવવામાં આવી છે. મહાસંઘ દ્વારા જણાવાયું છે કે રાજ્યમાં શિક્ષકોની નવી ભરતી થવાથી શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધશે અને ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાને વેગ મળશે. આ દૃષ્ટિએ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયાને સંગઠન દ્વારા આવકારવામાં આવી છે. મહાસંઘ દ્વારા સરકાર સમક્ષ એ પણ રજૂઆત કરવામાં આવી છે કે નવી ભરતી પ્રક્રિયાની સાથે રાજ્યમાં ફરજ બજાવતા શિક્ષકો માટે બદલી પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવે. લાંબા સમયથી પોતાની વતન નજીક અથવા અનુકૂળ સ્થળે બદલીની રાહ જોઈ રહેલા શિક્ષકોને ધ્યાનમાં રાખીને, ભરતી પ્રક્રિયા સાથે જ શિક્ષકોની બદલી પ્રક્રિયા અંગેનો કાર્યક્રમ જાહેર કરી તબક્કાવાર કાર્યવાહી શરૂૂ કરવામાં આવે, તેવી માંગ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિ. રાજકોટ દ્વારા કરવામાં આવી છે.
