સિંચાઇ વિભાગના વીજ કનેકશન કાપવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો
‘કોઈ ચિંતા કરો મા ભાઇ’ : પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પોતાના સમર્થકો અને ઉપસ્થિત ખેડુતો વચ્ચે અત્યંત હળવા મુડ મા કહ્યુ કે “તમારું ટીસી ઉતરે ને તો તમે મારું માથું ઉતરી જ જજો.ખેડુતો થી વધુ મારું માથુ નથી. માઇક આપતા પહેલા તેઓ ઉપસ્થિત લોકોને કહે છે કે, “કોઈ ચિંતા કરો મા ભાઈ”. જયરાજસિંહ જાડેજાનો આ સહજ અને દેશી અંદાજ સાંભળીને સભામાં ઉપસ્થિત સૌ કોઈ ખડખડાટ હસી પડયા હતા.
ગોંડલ તાલુકાના લીલાખા ગામે ચોમાસાના વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખેડૂતોનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. ભાદર ડેમની સિંચાઈ યોજનામાંથી પાણી મેળવીને પાક પકવતા ગોંડલ તાલુકાના 16 ગામો, વડીયા તાલુકાના બે ગામો અને જેતપુર તાલુકાના બે ગામો મળી કુલ 20 ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતરમાં સિંચાઈ વિભાગ દ્વારા પીજીવીસીએલને સૂચના આપી ભાદર ડેમમાંથી લિફ્ટ ઇરિગેશન દ્વારા પાણી ખેંચતા ખેડૂતોના વીજ કનેક્શનો કાપી નાખવા અથવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પીવાના પાણીની અનામત વ્યવસ્થાના નામે લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની માંગણી છે કે પાક તૈયાર થવાના આખરી તબક્કામાં હોવાથી માત્ર 15 દિવસથી એક મહિના સુધી એટલે કે છેલ્લું એક ટીપુ (પાણી) આપવાની જરૂરિયાત છે.
આ અંગે મોટા સખપર ગામના ખેડૂત વિમલભાઈ ધીરુભાઈ બોરડે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ડેમની અંદર પાણી લેવાની મનાઈ કરવામાં આવી છે અને પીજીવીસીએલ દ્વારા 24 કલાકની મંડળીના ટીસી ઉતારવાની બાબત સામે આવતા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેમ દ્વારા પાણીનો મુદ્દો અને પીજીવીસીએલ દ્વારા પાવરનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં ગામમાંથી તમામ લોકો આ મીટિંગમાં જોડાયા છે. આગામી સમયમાં ઉકેલ ન આવે તો શું થશે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને તેમના ધારાસભ્ય પર પૂરો વિશ્વાસ છે કે તેઓ ચોક્કસપણે આ સમસ્યાનો ઉકેલ લાવશે.
સંમેલન અંગે માહિતી આપતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, “સિંચાઈ વિભાગે ઉતાવળિયો નિર્ણય કરીને વીજ કનેક્શન કાપવા અંગે સૂચના આપી છે. ખેડૂતો પણ પીવાના પાણીની અગત્યતા સમજે છે, પરંતુ હાલ ખેડૂતોને પોતાના ઊભા પાકને બચાવવા માટે માત્ર છેલ્લું એક પાણ જ જરૂરી છે. જો ખેડૂતોને આ છેલ્લું પાણી મળી જાય તો તેમનો વાવેલો પાક બચી જાય અને મોટી આર્થિક પાયમાલીમાંથી ઉગરી શકાય. આ અંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવી છે.”
ખેડૂતોને સંબોધતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ હંમેશા ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યું છે. તેમણે જણાવ્યું કે આશરે 80 જેટલા ગામોમાં નવા ડેમ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 80% ખર્ચ સરકાર ઉઠાવશે અને બાકીના 20% ખર્ચ માર્કેટિંગ યાર્ડ દ્વારા આપવામાં આવશે. ખેડૂતોને માત્ર મશીનરી પૂરી પાડવાની રહેશે. આ યોજનાનો અમલ થવાથી આગામી ચોમાસામાં જળ સંચય માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે તેવી ખાતરી તેમણે આપી હતી. વધુમાં, તેમણે સ્પષ્ટ કર્યું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ સુરક્ષિત રહે છે અને ત્યાં કોઈની દાદાગીરી કે લુખ્ખાગીરી ચલાવી લેવામાં આવતી નથી.
