રાજકોટના બામણબોર પાસે દારૂના કટીંગ સમયે એસએમસીની ટીમ ત્રાટકી: રૂ.86.63 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝબ્બે

604 પેટી દારૂ અને ટ્રક મળી 1.10 કરોડના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, 7 આરોપી વોન્ટેડ જાહેર

ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની રાજ્યના ડીજીપી જી.એસ. મલિકની સૂચનાના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ ને મોટી સફળતા સાંપડી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. 86.63 લાખથી વધુની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી કુલ રૂ. 1.10 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઈ પી. બી. જેબલીયા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ- રાજકોટ હાઈવે પર આવેલ બામણબોર ગામ નજીક “રાધે-કૃષ્ણ હોટલ” પાસે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના દારૂ/બીયરની આશરે 604 પેટીઓ (કુલ 21,792 બોટલ) મળી આવી હતી, જેની કિંમત રૂ. 86,63,712 થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે એક વાહન તેમજ અન્ય સાધન-સામગ્રી મળીને કુલ રૂ. 1,10,91,012 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ દરોડા દરમિયાન દિલીપસિંઘ સુખદેવસિંઘ રાવત (રહે. સોનીયાણ ગામ, બ્યાવર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓમાં જીતેન્દ્રસિંઘ શ્રવણસિંઘ (રહે.ઠીકરવાસ, કાલણ, તા.ભીન્ન, જિ.રાજસમંદ, રાજસ્થાન), સુરેશ, ટ્રક રજી નં.છઉં-06-ૠઉ3723 ના માલીક, ચંદીગઢ ખાતે જીતેન્દ્રસિંઘનો અજાણ્યો માણસ,થાર ગાડી લઈને દારૂ ભરવા લઈ જનાર બે અજાણ્યા માણસ, ટ્રાન્સપોર્ટની બીલ્ટી લઈને આવનાર સ્પેલન્ડર બાઈક ઉપર આવેલ અજાણ્યો માણસ અને રાજકોટ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર સામે અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરીને નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સૂત્રધારોને પકડી પાડવા પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

રાજકોટમાં 4.79 લાખનો દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો
ઢેબર રોડ પર નાગરીક બેંકથી બસ સ્ટેન્ડ જવાના રસ્તે આવેલ મહાનગરપાલિકાના ગેઇટના પાર્કિંગ પાસે દરોડો પાડીને કાર નંબર જીજે-03-એન.બી-6992 ની તલાશી લેતા તેમાંથી રૂ.4.48 લાખની 2 લીટર સહીતની 190 બોટલ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પીસીબીની ટીમે સ્થળ પરથી રેલનગર, કર્ણાવતી શાળા પાસે, પ્રમુખસ્વામીનગર મેઇન રોડ ઉપર રહેતા બુટલેગર હાર્દિક ઉર્ફે શંભુ મુકેશભાઇ ચૌહાણને ઝડપી લીધો હતો. પીસીબીએ કુલ 190 બોટલ દારૂ અને કાર મળી કુલ રૂ. 14,79,336 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ આરોપી હાર્દિક ઉર્ફે શંભુ ચૌહાણ નામચીન બુટલેગર હોવાનું સામે આવ્યું છે. તેની સામે ગુજરાતમાં પ્રોહીબિશનના 8 ગુના નોંધાયેલા છે.

રિલેટેડ ન્યૂઝ