ગોંડલના હડમતાળામાં વૃધ્ધાના ઘરમાં 1.90 લાખનો હાથફેરો કરનાર પૌત્ર ઝડપાયો

ચોરાઉ દાગીના ખરીદનાર રાજકોટના વેપારીની પણ ધરપકડ: મુદ્દામાલ રિકવર

ગોંડલ તાલુકાના હડમતાળા ગામે એક વૃદ્ધાના ઘરમાં થયેલી ઘરફોડ ચોરીનો ગોંડલ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પોતાની જ દાદીના ઘરમાં ચોરી કરનાર અન્ય કોઈ નહીં પણ સગો પૌત્ર જ નીકળ્યો હતો. પોલીસે આરોપી પૌત્ર અને તેની પાસેથી ચોરીનું સોનું ખરીદનાર રાજકોટના સોની વેપારીની ધરપકડ કરી કુલ રૂ. 1.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 17/09/2026 ના રોજ રાત્રિના 10 વાગ્યાથી 18/09/2026 ની સવારના 6:30 વાગ્યા દરમિયાન હડમતાળા ગામે આ ઘટના બની હતી. ફરિયાદીના વયોવૃદ્ધ માતા રાત્રે ઘરની ઓસરીમાં સૂતા હતા, ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમમાં રાખેલા રૂ. 1,50,000 રોકડા અને રૂ. 40,000 ની કિંમતની સોનાની બે બુટ્ટી મળી કુલ રૂ. 1,90,000 ની મત્તાની ચોરી કરી હતી. આ અંગે વૃધ્ધા નાં પુત્રી અંજુબેન દાણીધારીયા ની ફરિયાદ લઇ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં 19 સપ્ટેમ્બરના રોજ બીએનએસની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી, ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પીઆઈ યુ.આર. ડામોર અને તેમની ટીમે આ અનડિટેક્ટ ગુનો ઉકેલવા તપાસ હાથ ધરી હતી. પોલીસ સ્ટાફે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ચોરી ફરિયાદી અંજુબેન ના ભત્રીજા અને ભોગ બનનાર વૃદ્ધાના પૌત્ર દ્વારા જ કરવામાં આવી છે.
પોલીસે બાતમીના આધારે મૂળ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના મોટા વડાળા ગામે રહેતા આરોપી મિલન ભરતભાઈ ગોંડલિયાની અટકાયત કરી આકરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. તેની પાસેથી ચોરીમાં ગયેલી રૂ. 1.50 લાખની રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી. વધુ પૂછપરછમાં તેણે સોનાની બુટ્ટી રાજકોટના સોની વેપારી કલ્પેશ રમેશભાઈ ધોળકિયાને વેચી હોવાની કબૂલાત કરતા પોલીસે કલ્પેશ ધોળકિયાની પણ ધરપકડ કરી હતી.
પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. 1.50 લાખ રોકડા, રૂ. 40 હજારની કિંમતનો સોનાનો ડાળિયો અને રૂ. 3 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,93,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી મિલન ગોંડલિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ જામનગરના કાલાવાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે. ગોંડલ તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ