રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના 6 રેલવે કર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલ સંરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 06 રેલવેકર્મીઓને ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ગિરિરાજ કુમાર મીના દ્વારા આજે ડીઆરએમ કચેરી, રાજકોટના પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓપરેટિંગ વિભાગ અને વિદ્યુત (ટ્રેક્શન) વિભાગ સાથે સંકળાયેલા આ કર્મચારીઓને એપ્રિલ, મે અને જૂન 2026 દરમિયાન ફરજ પર અસાધારણ તકેદારી અને જવાબદારી દર્શાવી સંભવિત રેલ અકસ્માતો નિવારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આ સન્માન કરાયું હતું.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, સન્માનિત થનાર કર્મચારીઓમાં અમન કુમાર, ટ્રેન મેનેજર (માલગાડી), (સુરેન્દ્રનગર) હિમસાગર સતસિયા, સિનિયર આસિસ્ટન્ટ લોકો પાયલટ (માલગાડી), (રાજકોટ) સીતારામ જી ઘસવા, લોકો પાયલટ (માલગાડી), (હાપા) ગોપાલ સિંહ પરમાર, લોકો પાયલટ (માલગાડી) (સુરેન્દ્રનગર) સંદીપ રાજપૂત, લોકો પાયલટ (માલગાડી), (હાપા) તેમજ શ્રી રવિશ ચંદ્ર, લોકો પાયલટ (માલગાડી), (હાપા)નો સમાવેશ થાય છે.
આ કર્મચારીઓએ ફરજ દરમિયાન જાગરૂકતા દાખવીને અનેક મહત્વપૂર્ણ ટેકનિકલ ખામીઓની સમયસર ઓળખ કરી હતી. જેમાં ટ્રેનનો ચાર્જ સંભાળતી વખતે ટેન્ક વેગનમાં ક્ષતિ પકડવી, ટેન્ક વેગનનું ઢાંકણ ખુલ્લું હોવાનું ધ્યાને આવવું, ટેન્ક વેગનની સપોર્ટિંગ આઈ-બીમનું એક તરફનું વેલ્ડિંગ નીકળી લટકતી સ્થિતિમાં હોવાની ઓળખ કરવી તેમજ ટ્રેક નજીક કચરામાં લાગેલી આગ જોઈને તાત્કાલિક યાર્ડ માસ્ટરને જાણ કરવી સામેલ છે. આ ઉપરાંત, માલગાડીના વેગનની ચકાસણી દરમિયાન નકલ પિન તૂટેલી હોવાનું તેમજ હેંગિંગ પાર્ટની ઓળખ કરી તેને તાત્કાલિક દુરસ્ત કરાવવી એ પણ આ કર્મચારીઓની સતર્કતાના મુખ્ય ઉદાહરણો છે.
આ કાર્યક્રમમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર બ્રિજેશ કુમાર સિંહ, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર સી.આર. ગરુડા, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર આશિષ ધાનિયા તેમજ સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) મનોજ કુમાર રાવ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ