રાજકોટમાં કારચાલકે દારૂના નશામાં બાઈક સવાર બે પોલીસકર્મીને ઉલાળ્યા

મધરાત્રે પેટ્રોલીંગમાં નીકળેલા પોલીસમેનની બાઈકને 200 મીટર ઢસડી; પોલીસે ચાલકનો નશો ઉતાર્યો

શહેરમાં અવાર-નવાર કેટલાક વાહન ચાલકો દારૂ ઢીંચી બેફામ બની જતાં હોય છે. દરમિયાન ગત રાતે જંકશન પ્લોટ મેઇન રોડ પર જંકશન પોલીસ ચોકી નજીક દારૂ પી બંબાટ કાર લઈને નીકળેલા મુળ ઉત્તરાખંડના અને હાલ પડધરી પંથકમાં રહેતાં શખ્સે પેટ્રોલીંગમાં નીકળેલા પ્રયુમન નગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને બાઇક સહિત ઠોકરે ચડાવી ઇજા પહોંચાડતાં ચકચાર મચી ગઇ છે. અકસ્માત બાદ કારચાલકે બાઇકને આશરે 200 મીટર સુધી ઢસડતાં નુકસાની પણ થઇ હતી. પોલીસે ગુનો નોંધી તેનો નશો ઉતારી નાંખ્યો હતો. આ બનાવમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ. વનરાજભાઈ ભાભલુભાઈ બોરીચા (ઉ.વ.29)ની ફરિયાદ પરથી પડધરીના ડાંગરા ગામે રહેતાં મુળ દહેરાદુન અજાબપુર ખુર્દ સરસ્વતિ વિહાર ઉત્તરાખંડના વતની નીપુણકુમાર મદનસિંગ વિરૂધ્ધ ગુનો નોંધી સકંજામાં લીધો છે. આ શખ્સ પડધરી પંથકમાં રહી સોલારનું કામ કરે છે. રાજકોટ કામ માટે આવ્યા બાદ કોઇ જગ્યાએ દારૂ પી બેફામ સ્પીડથી નીકળ્યો હતો અને અકસ્માત સર્જ્યો હતો.
પોલીસ કોન્સ. વનરાજભાઈ બોરીયાએ જણાવ્યું છે કે રાતે દસેક વાગ્યે હું અને કોન્સ. રીયાઝભાઈ ભીપોત્રા બંને અમારા હોન્ડા બાઇક જીજે03કેઇ-7293 લઇને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં. હું બાઈક ચલાવી રહ્યો હતો અને પાછળ રીયાઝભાઇ બેઠા હતાં. અમે ફરતાં ફરતાં સવા દસેક વાગ્યે જંકશન પ્લોટ મેઇન રોડ પર જંકશન ચોકી પાસે પહોંચ્યા ત્યારે એક કારચાલક બંબાટ સ્પીડથી કાર લઇને માણસોની જિંદગી જોખમાય એ રીતે નીકળ્યો હતો અને અમારા બાઇકને ઠોકરે ચડાવી અમને પછાડી દીધા હતાં. આશરે બસ્સો મીટર સુધી જંકશન મેઇન રોડ પર અમારા બાઇકને ઢસડતાં અમને બંનેને સામાન્ય મુંઢ ઇજાઓ થઇ હતી. તેમજ કારની ઠોકરે બાઇક આવી ગયું હોઇ તેમાં નુકસાની થઇ હતી. આ વખતે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. કાર આગળ ઉભી રહી ગઇ હોઇ હું અને રીયાઝભાઇ ત્યાં ગયા હતાં અને કારચાલકને બહાર નીકશળવાનું કહેતાં તે બહાર આવ્યો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ નીપુણકુમાર મદનસિંગ રાજપૂત (ઉ.વ.35) હોવાનું કહ્યું હતું. તે પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું અને મૂળ ઉત્તરાખંડ દહેરાદુનનો વતની હોવાનું તથા હાલ પડધરીના ડાંગરા ગામે રહેતો હોવાનું કહ્યું હતું. તેના મોઢામાંથી કેફી પ્રવાહી પીધુ હોઇ તેવી દુર્ગંધ આવતી હતી. પુછતાછ કરતાં દારૂ પીધાનું કહ્યું હતું. આથી તેની સામે દારૂ પી સ્કોડા કાર જીજે01 આરવી-1401 પુરઝડપે લોકોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી મને તથા સાથેના કોન્સ. રીયાઝભાઈને બાઇક સહિત ઠોકરે લઇ ઇજા પહોંચાડવાનો અને વાહનમાં નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. તેમ વધુમાં કોન્સ, વનરાજભાઈએ જણાવતાં પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં હેડકોન્સ. લાભુભાઇ એ. જતાપરાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. નશાખોર કારચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ