ગ્રાહકના સ્વાંગમાં સોનાના દાણા ખરીદવાના બહાને હાથફેરો કર્યો; સીસીટીવીના આધારે ભેદ ઉકેલાયો
જસદણમાં સોની વેપારીની દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી બંટી- બબલી રૂ. 1 લાખના દાગીના ચોરી કરી ગયા હતા. જે અંગે ગુનો નોંધાયા બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસ હાથ ધરી રાજકોટના વેલનાથપરામાં રહેતા દંપતીને ઝડપી લઇ તેની પાસેથી સોનાના દાણા અને બાઈક સહિત 1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી વિગત મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટેની આપેલ સૂચનાથી એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમ મિલકત સંબંધી ગુનાઓ અંગે તપાસમાં હતી. દરમિયાન જસદણ પોલીસ સ્ટેશનમાં ગઈ તા. 18 ના રોજ દાખલ થયેલા ચોરીના બનાવમાં ફરિયાદી જેન્તીભાઈ બાલુભાઈ થડેશ્વર (રહે. જસદણ, અનંતગામ સોસાયટી, વિંછિયા રોડ) દ્વારા એવી હકીકત જણાવવામાં આવી હતી કે, તેમની જસદણમાં આવેલી ચામુંડા જ્વેલર્સ નામની સોના-ચાંદીના ઘરેણાની દુકાનમાં એક મહિલા તથા તેના પતિ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા, સોનાના દાણા ખરીદવાના બહાને અલગ અલગ દાણા જોવા માટે બતાવવાનુ કહી ફરિયાદીની નજર ચૂકવી 70 જેટલા સોનાના દાણા તેનું વજન 10 ગ્રામ કિંમત રૂપિયા એક લાખ છે તે ચોરી કરી નાસી ગયા હતા.
આ બનાવને એલસીબીની ટીમે દુકાન આજુબાજુના વિસ્તારમાં આરોપીઓના આવવા જવાના રૂટ અંગેના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમજ બાતમીદારનું નેટવર્ક એક્ટિવ કર્યું હતું. દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક હોન્ડ સાઇન પર એક પુરુષ તથા એક મહિલા આવ્યાનું નજરે પડ્યું હતું. ફૂટેજમાં બંનેના ચહેરા સ્પષ્ટ જણાઈ આવતા તે અંગે તપાસ આગળ ધપાવી હતી.
બાદમાં આટકોટ જસદણ રોડ પર જલ સર્કલ પાસેથી બંટી- બબલીને ઝડપી લીધા હતાં. જેની પુછતાછ કરતા તેમણે ચામુંડા જ્વેલર્સનાની દુકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.
ઝડપાયેલા આ બંન્નેના નામ વલ્લભ મનજી કાવઠીયા અને શોભનાબેન વલ્લભ કાવઠીયા (રહે બંને. વેલનાથપરા, રણુજા મંદિર સામે, લાપસરી રોડ, રાજકોટ) છે. પોલીસે આ દંપતિ પાસેથી સોનાના 59 દાણા કિંમત રૂપિયા 96,765 અને બાઈક સહિત રૂ. 1,46,765 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ દંપતિએ અન્ય કોઈ દુકાનમાં આ પ્રકારે ચોરી કરી છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવનો ભેદ ઉકેલવાની આ કામગીરીમાં એલસીબીના પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ સહિતની ટીમ સાથે રહી હતી.
