પિતૃકાર્ય માટે સુરત ગયેલા યુવક સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ
મોબાઈલમાં આવેલ લિંક ખોલતા કે ઓનલાઈન વસ્તુ ખરીદતાં પહેલાં ચેતજો કેમ કે, હવે સાયબર ગઠિયાઓની નજર સતત તમારા મોબાઈલની હલચલ પર રહેલ હોય છે. ત્યારે કારખાનેદારને એપીકે ફાઈલ મોકલી ખાતામાંથી રૂ.5.66 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા.
લોધીકાના કાંગશિયાળી ગામે રાજપથ સીએસ્ટા રેસીડેન્સીમાં રહેતા 37 વર્ષીય યુવાન અંકુરભાઈ હરેશભાઈ કથીરીયાએ રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ લોધીકાના રાવકી જી.આઈ.ડી.સી.માં નાયરા પેટ્રોલ પંપની પાછળ એ.કે. એન્જિનિયરિંગ સોલ્યુશન નામે કારખાનું ધરાવે છે.
ગઈ તા. 15 ના તે તથા તેમના પરિવારના સભ્યો સુરત, પુણા ગામ ખાતે મોટા બાપુજીના અવસાન નિમિત્તે પાંચમના કાર્ય માટે ગયેલ હતા. ત્યારે સાંજના પાંચેક વાગ્યાના સમયે મોબાઇલ નંબર સાથે જોડાયેલા વોટ્સઅપ પર એપીકે વ્હીકલ ઇન્ફો નામની એક ફાઈલ આવેલ હતી. જે ફાઈલ ખોલતા તેમની કાર નં.જીજે-કેસી-7490 દ્વારા સિંગ્નલ તોડવા પેટે રૂ. 2 હજારનો દંડ ભરવાનું લખાણ હતું. તે ફાઈલમાં ઓનલાઇન દંડ ભરવા માટે એક લિંક આપવામાં આવેલ હતી. જે લિંક મારફતે દંડ ભરવા અર્થે બેંક ખાતામાંથી રૂ. 1/ ભરવા તથા ખાતું વેરિફાય કરવા જણાવાયું હતું.
તેઓએ તે પ્રક્રિયા કરવા જતા રૂ. 1 કપાયેલ નહોતો. પછી તેઓએ કોઈ ધ્યાન આપેલ નહીં. મોટા બાપુજીનું કાર્ય પૂર્ણ કર્યા બાદ સાંજના સમયે પરિવાર સાથે પોઈચા મંદિરે દર્શન કરવા ગયેલ અને રાત્રિ ત્યાં રોકાયેલ હતા. ગઈ તા.17 ના સવારે આશરે 11 વાગ્યે પોઈચાથી ઘરે પરત આવવા નીકળ્યા હતા. ત્યારે બગોદરા પાસે પહોંચતા મોબાઇલ પર
સતત અનેક એસએમએસ, ફોન કોલ તથા વોટ્સઅપ સંદેશાઓ આવવા લાગ્યા હતા. તેઓના બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાત થઇ રહ્યાના એસએમએસ મળ્યા હતા. જેથી બેંક ખાતાની વિગતો તપાસતા મારા બેંક ખાતામાંથી અલગ-અલગ 13 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.5,66,695 ઉપાડી લેવામાં આવ્યા હતા.
તેઓ ઘરે કાંગસીયાળી પહોચ્યો ત્યાં સુધીમાં આ બધા ટ્રાન્જેકશન પુરા થયા અંગેના મેસેજ મોબાઇલ ફોનમાં આવી ગયેલ હતા. જેથી સાયબર માફિયા દ્વારા એપીકે ફાઈલ મોકલી મોબાઈલનો એક્સેસ મેળવી લઇ બેંક ખાતામાંથી રૂ. 5,66,695 ટ્રાન્સફર કરી લેવાતા યુવાને સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
