24 કલાકમાં ફુલબજાર ધમધમી કમિશ્નરના આદેશને બાજુ પર મુકી મેયરે ફુલના વેપારીઓને સમર્થન આપ્યું

રાજકોટ મહાનગરપાલિકામાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ખુલીને સામે આવ્યો છે. રામનાથપરા વિસ્તારમાં ફૂલનો ધંધો કરતા ખેડૂતો અને વેપારીઓને હટાવવા બાબતે મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે મતભેદ જોવા મળ્યા છે. કમિશનરના સ્પષ્ટ આદેશ છતાં મેયર દ્વારા ખેડૂતોને રસ્તા પર જ બેસવાની મૌખિક મંજૂરી આપી દેવામાં આવતા તંત્રમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
બે દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રામનાથપરા વિસ્તારમાં રસ્તા પર બેસીને ફૂલનો ધંધો કરતા તમામ વેપારીઓ અને ખેડૂતોને જગ્યા ખાલી કરવા અને ત્યાં ન બેસવાની સખત સૂચના આપવામાં આવી હતી. કમિશનરના આ આદેશના વિરોધમાં મેયર મેદાને આવ્યા હતા અને સોમવારે જ ખેડૂતોને રસ્તા પર જ ધંધો ચાલુ રાખવાની પરવાનગી આપી દીધી હતી. આમ, કમિશનરના આદેશને બાજુ પર મૂકીને મેયરે વેપારીઓને રસ્તા પર બેસવા માટે સમર્થન આપ્યું છે.
અહીં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે થોડા દિવસો અગાઉ જ જનરલ બોર્ડની બેઠકમાં રસ્તા પર દબાણ કરતા શાકભાજી અને અન્ય વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એક તરફ મેયર જનરલ બોર્ડમાં રસ્તાઓ ટ્રાફિકમુક્ત કરવા અને વેપારીઓને અન્યત્ર ખસેડવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ ખુદ મેયર જ ફૂલના વેપારીઓને રસ્તા પર બેસવાની છૂટ આપી રહ્યા છે.
આ મામલે ફૂલ વેચતા ખેડૂત કૈલાશભાઈએ જણાવ્યું હતું કે, કમિશનરે ભલે અમને ના પાડી, પરંતુ મેયરે કહ્યું કે કોઈ પણ કાંઈ કહે તો હું તમારી સાથે આવીશ. છેલ્લા 15 વર્ષથી આ ખેડૂતો વહેલી સવારે 3 થી 4 વાગ્યાથી આવીને સવારે 8 વાગ્યા સુધી પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે માત્ર બે દિવસ અગાઉ કમિશનર સાહેબ અને તંત્ર દ્વારા તેમને નડતરરૂૂપ ગણાવીને તેમનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જેના કારણે ગરીબ પરિવારો મુશ્ર્કેલીમાં મુકાયા હતા. ખેડૂતો માત્ર ફૂલનો જ ધંધો કરે છે અને અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા નથી. મેયરનો સપોર્ટ મળતા ખેડૂતોમાં રાહત જોવા મળી છે, જોકે જો તંત્ર ફરી રોકશે તો તેઓ આંદોલન કરવાની ચીમકી પણ આપી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ