પશ્ર્ચિમ રેલવેના તબીબી વિભાગ દ્વારા સમગ્ર નેટવર્કમાં પીવાના પાણીની ગુણવતાની ચકાસણી

પશ્ચિમ રેલવેના તબીબી વિભાગ દ્વારા પોતાના તમામ મંડળો (ડિવિઝનો) અને રેલવે પરિસરોમાં પીવાના પાણીની ગુણવત્તાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સલામત અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની ખાતરી કરવા માટે 09 થી 15 સપ્ટેમ્બર, 2026 સુધીના સાત દિવસ દરમિયાન વ્યાપક સ્તરે સેમ્પલિંગ અને ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી મુજબ, પશ્ચિમ રેલવે નિયમિત બેક્ટેરિયોલોજિકલ તપાસ અને રેસિડ્યુઅલ ક્લોરિન ચકાસણી દ્વારા પીવાના પાણીની વ્યાપક દેખરેખ રાખી રહ્યું છે. 276 બેક્ટેરિયોલોજિકલ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી, જેમાં એકંદરે 99% થી વધુ યોગ્યતા નોંધાઈ છે; જ્યારે પશ્ચિમ રેલવેમાં 1,745 રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 96% થી વધુ ટેસ્ટના પરિણામો સંતોષકારક જણાયા હતા. અયોગ્ય સેમ્પલ બાબતે સંબંધિત વિભાગોને જાણ કરી દેવામાં આવી છે અને શુદ્ધ પાણીનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ ટેસ્ટિંગ કાર્યક્રમ રેલવે સ્ટેશનો અને અન્ય રેલવે પરિસરોમાં નિયમિતપણે ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં પીવાના પાણીના પોઇન્ટ્સ અને વોટર કૂલર્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કામગીરીનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે પીવાનું પાણી સુરક્ષિત રહે તથા પાણીમાં ક્લોરિનનું યોગ્ય પ્રમાણ અને સ્વચ્છતા જળવાઈ રહે. સંબંધિત વિભાગોના સંકલનથી પશ્ચિમ રેલવે પાણીની ટાંકીઓ, પાઇપલાઇનો, વોટર કૂલર્સ અને પાણી પીવાની જગ્યાઓની સ્વચ્છતા તથા જાળવણી પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ