સગા-સંબંધીઓની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે જિલ્લા પોલીસ વડા પાસે માહિતી માંગતા ફફડાટ
રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ ખાતામાં જ આંતરિક સાફ-સફાઈ કરવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં ફરજ બીજાવતા ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓમાં આ નિર્ણયથી ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. રેન્જ આઈજી દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડા પાસેથી ડી સ્ટાફનો એક વિસ્તૃત ડિટેઇલ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં તમામ પોલીસકર્મીઓની વિગતો સાથે તેમના સગા-સંબંધીઓની પૃષ્ઠભૂમિની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.
આ નવો આદેશ બહાર પડતાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા દરેક અધિકારી અને કર્મચારીએ કુલ 7 અલગ-અલગ મુદ્દાઓની માહિતી પૂરી પાડવી પડશે. જેમાં કર્મચારીનું પૂરું નામ, મૂળ વતન, હાલનું સરનામું અને તેઓ કેટલા સમયથી ડી સ્ટાફમાં ફરજ બજાવે છે તેની વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત એ છે કે, તેમના કોઈ સગા-સંબંધી ગુનેગાર, હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે નહીં, અને જો હોય તો તેમનું નામ તથા તેમની સાથે શું સંબંધ છે તેની સ્પષ્ટ માહિતી પણ આપવી પડશે. આ વિગતોના આધારે આગામી દિવસોમાં ડી સ્ટાફની કાર્યપદ્ધતિમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે.
રેન્જ આઈજી નિર્લિપ્ત રાય પોતાની કડક અને બાહોશ કાર્યશૈલી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. કાયદાનું પાલન કરાવવામાં કે શિસ્ત જાળવવામાં તેઓ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે ઓળખાતા નથી. જો કોઈ ખાસ પોલીસ અધિકારી કે કર્મચારી પોતાના કામમાં બેદરકારી દાખવે અથવા કાયદા વિરુદ્ધ જઈને કામ કરે તો તેમની સામે સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં તેઓ જરાય અચકાતા નથી. રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે તેઓ સતત સક્રિય નિર્ણય લઈ રહ્યા છે.
તમામ જિલ્લા પોલીસ સ્ટેશનોમાંથી મેળવેલી માહિતીનો રિપોર્ટ તૈયાર કરીને વહેલી તકે રેન્જ આઈજી સમક્ષ મોકલવાનો આદેશ અપાયો છે. આ માહિતી ચકાસ્યા બાદ માત્ર સ્વચ્છ છબી ધરાવતા, નિષ્ઠાવાન અને લાયક પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને જ ડી સ્ટાફની મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. આ કડક પગલાંથી પોલીસ વિભાગમાં પારદર્શિતા વધશે અને કામગીરી વધુ જવાબદારીપૂર્વકની બનશે તેવી સ્પષ્ટ દિશા નક્કી કરવામાં આવી છે.
