12 સેક્ધડમાં લોક તોડી નો પાર્કિંગમાંથી કાર લઈ જતો રહ્યા બાદ વાયરલ વીડિયો આધારે કાર્યવાહી
રાજકોટમાં વધુ એક વખત નો પાર્કિંગમાં રહેલ કારના લોકને તોડવું કારચાલકને ભારે પડ્યું છે. યાજ્ઞિક રોડ પર એક કારના લોકને તોડવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરી કાર ચાલકને શોધી તેમની પાસેથી નો પાર્કિંગ અંગે દંડ વસુલવામાં આવ્યો હતો આ ઉપરાંત લોકને તોડી દેવા બદલ નુકશાની અંગે વધુ ચાર્જ મળી કુલ રૂ.2450 વસૂલવામાં આવ્યા હતા.
રાજકોટના યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્પ્લેક્ષ પાસે નો પાર્કિંગમાં એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે.32.એજી.1950 પડી હતી જેને ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરી દેવામાં આવી હતી. કારના માલિક પરત ફરતા કાર લોક હોવાથી માત્ર 12 સેક્ધડમાં કારના લોકને એક તરફથી ખેંચી તોડી નાખ્યો હતો અને બાદમાં લોકને ફૂટપાથ પર મૂકી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થવા પામતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસની તપાસમાં વાયરલ વિડીયો અંગે તપાસ કરવામાં આવતા કારચાલક રાજુભાઈ ગોવિંદભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું હતું. જેમની પાસેથી પોલીસે નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ રૂપિયા 1000 અને લોકને નુકશાન પહોંચાડવા બદલ વધુ રૂપિયા 1450 મળી કુલ રૂ.2450 દંડ વસુલ કર્યો હતો.
