ઈન્સ્ટાગ્રામથી શરૂ થયેલી ઓળખાણ બાદ વિવાદ વકરતા પોલીસ ફરિયાદ
રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલા કરણપાર્કની કૈલાસ સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા 34 વર્ષીય નરેશભાઈ જગાભાઈ સારેસાએ મુંબઈના ગોરેગાંવ (ઈસ્ટ) ખાતે રહેતી લક્ષ્મી ગુપ્તા નામની મહિલા સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગતો અનુસાર, ગત તારીખ 26 જુલાઈ 2026ના રોજ સવારે આશરે 10:00 વાગ્યે નરેશભાઈ પોતાના મિત્રો ચિરાગભાઈ શેલડીયા, વિજયભાઈ વાઘેલા અને બહેન નિર્મળાબેન સાથે કોઈ કામ સબબ રાજકોટના અતિથિ ચોક જાહેર રોડ પર એકઠા થયા હતા. તે સમયે નરેશભાઈના મોબાઈલ પર આરોપી મહિલાના ત્રણ મિસ્ડ કોલ આવેલા હોવાથી તેમણે સામેથી કોલ કર્યો હતો.
ફોન પર વાતચીત દરમિયાન મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો મુકવા બાબતે તકરાર કરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. વાતાવરણ ગંભીર બનતા નરેશભાઈએ ફોન લાઉડસ્પીકર પર મૂક્યો હતો. હાજર સાક્ષીઓની હાજરીમાં આરોપી મહિલાએ નરેશભાઈને તેમની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક અને હડધૂત કરનારા શબ્દો કહીને જાહેર રોડ પર ભારે અપમાન કર્યું હતું. આ ઉપરાંત મહિલાએ જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકીઓ પણ આપી હતી. આ સમગ્ર સંવાદ નરેશભાઈના મિત્રો અને બહેને પણ સાંભળ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2023માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે સંપર્ક થયો હતો અને બાદમાં મિત્રતા અને પ્રેમસંબંધ બંધાયો હતો. જુન 2024માં તેઓ બદલાપુર ખાતે મળ્યા પણ હતા. જોકે, આ સંબંધની જાણ મહિલાના પતિને થતા મહિલાએ અગાઉ નરેશભાઈ વિરુદ્ધ બદલાપુર (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં કાનૂની ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં નરેશભાઈ જામીન પર મુક્ત થયેલા છે. આ બાબતનો ખાર રાખીને મહિલા અવારનવાર ફોન કરીને ગાળો આપી ધમકાવતી હતી.
આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નરેશભાઈ સારેસાની ફરિયાદના આધારે મુંબઈની લક્ષ્મી ગુપ્તા સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એકટ) તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) અને 352 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
