મિત્રના ઝઘડામાં વચ્ચે પડયાનો ખાર રાખી હુમલો કર્યાનો આરોપ
શહેરમાં કણકોટના પાટીયા પાસે રહેતો યુવાન ગઇકાલે નાકરાવાડી ખાતે રામાપીરના મેળામાં ગયો હતો ત્યારે મિત્રના ઝઘડામાં વચ્ચે પડયાનો ખાર રાખી એક શખ્સે યુવકની આંખમાં સ્પ્રે છાંટી છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કણકોટના પાટીયા પાસે રહેતો સુરેશ કેશુભાઇ ઉકેડીયા નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામા નાકરાવાડી ખાતે રામાપીરના મેળામાં હતો ત્યારે વિજય નામના શખ્સે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સુરેશ ઉકેડીયા બે બહેનોનો એકનો એક ભાઇ છે. અગાઉ તેના મિત્રને હુમલાખોર વિજય સાથે ઝઘડો થયો હતો જે ઝઘડામાં સુરેશ વચ્ચે પડયો હતો.
જેનો ખાર રાખી સુરેશ ગઇકાલે મેળામાં નાસ્તો કરતો હતો તે દરમિયાન વિજયે આંખમાં સ્પ્રે છાંટી છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
