અન્ય ઘટનામાં મહિલાને એક શખ્સે માર મારતા સારવાર માટે ખસેડાઇ
શહેરમાં ગાયકવાડીમાં મકાન માલીકે ડિપોઝીટ પરત નહીં આપી મકાન ખાલી કરવાનું કહી અન્ય ત્રણ શખ્સો સાથે મળી ભાડૂઆત દંપતિ માર માર્યો હતો. દંપતિને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાયકવાડીમાં ભાડાના મકાનમાં રહેતા સાહીલ રફીકભાઇ સમા (ઉ.વ.25) અને તેની પત્ની સાયરાબેન સમા (ઉ.વ.24) સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે મકાન માલીક ફારુક સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં મકાન માલીકે મકાનખાલી કરવાનું કહેતા ભાડૂઆત દંપતિએ ડિપોઝીટ પેટે આપેલા રૂા.10 હજાર પરત માંગ્યા હતા. જે ડિપોઝીટની રકમ આપવાના બદલે મકાન માલીકે હુમલો કરી મકાન ખાલી કરી દેવા ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ગોકુલનગરમાં રહેતી કાનુબેન કાળુભાઇ મકવાણા (ઉ.વ.35) રાત્રીના નવેક વાગ્યાના અરસામા પોતાના ઘર પાસે હતી ત્યારે રાહુલ નામના શખ્સે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
