રાજકોટમાં તસ્કરો બેલગામ: ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી 2.25 લાખની રોકડની ચોરી

બારી-તાળાં તોડી હાથફેરો કરી નાસી છૂટેલા ચોરની શોધખોળ

રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક અલંગ હાઉસની બાજુમાં આવેલી ’મનિષ કાર્ગો’ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં તસ્કરોએ રાત્રિના સમયે ત્રાટકીને મોટી રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના ગોંડલ ચોકડી નજીક અલંગ હાઉસની બાજુમાં આવેલી ’મનિષ કાર્ગો’ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસના તા.22/09/2026ના રોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો તાળાં અને બારી તોડીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઓફિસની અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ ઓફિસમાં રાખવામાં આવેલી રૂ.2,25,000ની રોકડ રકમની ચોરી કરીને અજાણ્યો ચોર નાસી છૂટ્યો હતો. સવારે ઓફિસના તાળાં અને બારી તૂટેલી હાલતમાં જોવા મળતાં ચોરી થયાનો ખુલાસો થયો હતો, જેથી બનાવ અંગે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે મનહર પ્લોટમાં મંગળા મેઇન રોડ ખાતે રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દર્શનભાઇ મનિષભાઇ જયશ્વાન દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ કરી અજાણ્યા ચોરની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ