Jai Hind

રાજકોટમાં વેપારીએ દારૂના નશામાં જ્વલનશીલ પ્રવાહી ગટગટાવી લીધું


જુદા જુદા બે સ્થળે યુવતીએ ફીનાઇલ અને યુવાને એસિડ પી લેતા સારવારમાં ખસેડાયા

શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા અને સોની કામ કરતા પ્રૌઢ સોની બજારમાં હતા ત્યારે દારૂના નશામાં જવલનશીલ પ્રવાહી પી લીધું હતું પ્રૌઢની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગર વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશિપમાં રહેતા નરેન્દ્રભાઈ કરસનભાઈ સિદ્ધપુરા નામના 46 વર્ષના પ્રૌઢ રાત્રીના સોની બજારમાં પોતાની દુકાને હતા ત્યારે દારૂના નશામાં જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પ્રૌઢને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા બે સ્થળે જનેતા સાથે ઝઘડો થતા યુવતી અને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પેડક રોડ પર રહેતી હેતાંક્ષીબેન મહેશભાઈ ચાવડા નામની 20 વર્ષની યુવતીને નજીવા પ્રશ્ને માતા સાથે બોલાચાલી થતાં ફિનાઈલ પી લીધું હતું. જ્યારે સંત કબીર રોડ પર રણછોડનગરમાં રહેતા રતીબબાગ ગોવિંદબાગ નામના 28 વર્ષના યુવકને રૂપિયા મુદ્દે માતા સાથે રકઝક થતા એસિડ ગટગટાવી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.