વીજ જોડાણનું 1.62 લાખનું બિલ બાકી હોવાથી સમજાવવા ગયેલા સિનિયર આસિસ્ટન્ટ સાથે મારપીટ કર્યાની ફરિયાદ
રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ, ગુરુ વરદ કોમ્પ્લેક્સ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઙૠટઈક (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) માં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને રેલનગર વિસ્તારમાં રહેતા શક્તિભા હરેશભા ગઢવી (ઉ.વ. 34) નામના સરકારી કર્મચારી પર તેમની ફરજ દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પાણીનો પ્લાન્ટ ધરાવતા સંજયભાઈ નારણભાઈ ચૌહાણ અને અનીકેતભાઈ સંજયભાઈ ચૌહાણ નામના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર, આરોપી સંજયભાઈ ચૌહાણના નામે રહેલા ઙૠટઈકના વીજ જોડાણ પર કુલ રૂા.1,62,890/- ની રકમનું વીજ બિલ ચડત થઈ ગયેલું હતું. આ બાકી રકમની વસૂલાત કરવા તેમજ બિલ ભરી દેવા માટે ગ્રાહકને સમજાવવાના હેતુથી ફરિયાદી શક્તિભા ગઢવી પોતાના અન્ય સાક્ષીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં બિલ અંગે વાતચીત કરતી વખતે બંને આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને “અમારે બિલ નથી ભરવું” તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આરોપીઓએ ગાળો આપી ફરિયાદીને ઢીકાપાટુનો મૂંઢ માર મારી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ ઝપાઝપી દરમિયાન ફરિયાદીના ગળામાં પહેરેલી તુલસીના પારા વાળી સોનાની માળા તૂટી જતાં નુકસાન થયું હતું. આ ઘટના અંગે કર્મચારી દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ સામે સરકારી કર્મચારી પર હુમલો, ફરજમાં રૂકાવટ, અપશબ્દો બોલવા, એકબીજાને મદદગારી કરવી અને જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
