રાજકોટમાં ઓનર કિલીંગ: બહેન સાથે પ્રેમલગ્ન કરનાર બનેવીની સાળાએ કરી હત્યા

યુવાનના મોતથી માતા, પત્ની અને માસૂમ બાળક નોંધારા બનતા પરિવારમાં કાળો કલ્પાંત; હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન

શહેરમાં એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરેન્ટ પાછળ બાપાસીતારામ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે લૂંટના ઇરાદે ઘરમાં ઘુસી 55 વર્ષીય બ્યુટીપાર્લર સંચાલિકાને છરીનો ઘા ઝીંકી રહેસી નખાયા હતા. હજુ ગત સપ્તાહે બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યાનો ભેદ ઉકેલાયો છે ત્યાં વધુ એક ઓનર કિલીંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં બહેન સાથે પ્રેમલગ્ન કરનાર બનેવીને સાળાએ ભક્તિનગર સર્કલ નજીક ધોળા દિવસે સરાજાહેર છરીનો ઘા ઝીંકી હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ નજીક સહકાર રોડ પર રહેતા વિમલભાઈ ધર્મેશભાઈ વાણીયા નામનો 27 વર્ષનો યુવાન બપોરે બે વાગ્યાના અરસામાં ભક્તિનગર સર્કલ ખાતે કોલજીયન પાન પાસે હતો. ત્યારે કમલેશ ઉર્ફે કાનો લાખા રબારીએ ત્યાં ધસી આવી વિમલ વાણીયા સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની હતી અને વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ હતી. દરમિયાન કમલેશ ઉર્ફે કાનો લાખા રબારીએ એકાએક નેફામાંથી છરી કાઢી યુવાનને પડખા અને હાથના ભાગે આડેધડ ચારેક ઘા ઝીંકી દેતા યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને રાહદારીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બયુલન્સ મારફતે યુવાનને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસને જાણ કરી હતી. સારવાર મળે તે પૂર્વે જ યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને ભક્તિનગર પોલીસની ટીમો દોડી ગઈ હતી અને તપાસ આદરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન કારખાનામાં નોકરી કરતો હતો અને માતા, પત્ની અને એક સંતાન સાથે રહેતો હતો. યુવાને એકાદ વર્ષ પૂર્વે શિવધારા સોસાયટીમાં રહેતી શીતલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાબતે પત્નીના પરિજનો સાથે માથાકૂટ ચાલતી હતી. જે માથાકૂટમાં યુવાનને છરીના ઘા ઝીંકી સાળા કમલેશ ઉર્ફે કાનો લાખા રબારીએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. મૃતકની માતા ભારતીબેન વાણીયાએ કમલેશ ઉર્ફે કાનો લાખા રબારી અને તેની સાથે બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભક્તિનગર પોલીસે હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ