કંપનીના ગોપનીય ડેટા અને ટેક્નિકલ ડિઝાઇન છ કંપનીઓને વેંચી દીધાની કબૂલાત
શહેરના આજીડેમ વિસ્તાર હેઠળ આવેલ લોઠડા ગામ ખાતે શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કાર્યરત ’હયાત પંપ પ્રાઈવેટ લિમીટેડ’ નામના સબમર્સિબલ પં5 બનાવતા કારખાનાના ડાયરેક્ટર સંજયભાઈ રવજીભાઈ રાખોલીયાએ પોતાની કંપનીના પૂર્વ ક્વોલિટી કંટ્રોલ ઈન્ચાર્જ સામે વિશ્વાસઘાત અને આઈ.ટી. એકટ હેઠળ ગંભીર ગુનો નોંધાવ્યો છે. ફરિયાદની વિગતો અનુસાર, રાજકોટના રહીશ આરોપી રીતેષભાઈ ભરતભાઈ કારીયાને એપ્રિલ 2019થી માસિક રૂ. 45,000ના પગારથી યુ.સી. ઈન્ચાર્જ તરીકે નોકરીએ રાખવામાં આવ્યો હતો. નોકરી દરમિયાન આરોપીને કંપનીના અત્યંત મહત્વપૂર્ણ ટ્રે સિક્રેટ, મોટર પંપના ડ્રોઇંગ, ડિઝાઈન, પેટર્ન, વાઇન્ડિંગ ડેટા, ટોલરન્સ તેમજ ગ્રાહકોના નામો અને અન્ય ટેકનિકલ-કોમર્શિયલ માહિતીનો સંપૂર્ણ ડેટા સંગ્રહ અને ચકાસણીની જવાબદારી સોંપવામાં આવી હતી. છેલ્લા એકાદ વર્ષ દરમિયાન માર્કેટમાં હયાત પંપ્સ જેવી જ ડિઝાઇન અને ટેકનોલોજી ધરાવતા મોટર પંપનું અન્ય કંપનીઓ દ્વારા ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું કંપનીના ડાયરેક્ટરોના ધ્યાને આવ્યું હતું. આ અંગે ડાયરેક્ટરોએ બજારમાંથી છૂપી માહિતી મેળવતા માલૂમ પડ્યું હતું કે, નોકરીમાં મૂકેલા વિશ્વાસનો અયોગ્ય ફાયદો ઉઠાવીને આરોપી રીતેષ કારીયાએ કંપનીની જાણ બહાર પોતાના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ તેમજ મોબાઈલ ફોનમાં આ તમામ કિંમતી સિક્રેટ ડેટા ટ્રાન્સફર કરી લીધો હતો. કંપનીના આ ગોપનીય ડેટા અન્ય સ્પર્ધક કંપનીઓને વેચી દીધા હોવાની ગંધ આવી જતાં આરોપી તારીખ 19/04/2026ના રોજ કંપનીમાંથી નોકરી છોડીને ભાગી છૂટ્યો હતો. કંપનીના સંચાલકોએ આરોપીને કંપનીએ બોલાવી પૂછપરછ કરતાં તેણે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને વિશ્વાસઘાતની કબૂલાત કરી લીધી હતી. આરોપીએ સિદ્ધિ એન્જિનિયર્સ (મેટોડા) પાસેથી રૂ. 50,000, સરધારા એન્જિનિયરિંગ (રાજકોટ) પાસેથી રૂ. 75,000, ટેક ઈન્ડસ્ટ્રીઝ (શાપર) પાસેથી ફૂ 25,000, જેસ્કો પંપ્સ (અમદાવાદ) પાસેથી રૂ. 30,000 તથા ઉર્જા પંપ્સ (અમદાવાદ) પાસેથી રૂ. 25,000 મેળવી કૂલ રૂ. 2,05,000માં પોતાની જ કંપનીના ગોપનીય ડેટા વેચી દીધા હોવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરાંત તેણે સમુરાય પંપ્સ (સ્વરાજ ઈન્ડસ્ટ્રીઝ)ને પણ આ સિક્રેટ ડેટા પૂરો પાડ્યો હોવાનું ખુલાસો થયો હતો. આરોપીએ તે સમયે નોટરી રૂબરૂ સોગંદનામું કરી આપીને ભવિષ્યમાં કંપનીનો ડેટા કોઈને ન આપવાની ખાતરી આપી પોતાનો મોબાઈલ જમા કરાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તારીખ 29/05ના રોજ આરોપી રીતેષ પોતાની પત્ની અને અન્ય એક શખ્સ સાથે કંપનીએ ધસી આવ્યો હતો અને ડાયરેક્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી કંપનીને બદનામ કરવાની તથા પોલીસ કેસ કરવાની ધમકીઓ આપી હતી. સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં સંજયભાઈ રાખોલીયાની ફરિયાદના આધારે પોલીસે આરોપી રીતેષ કારીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(4), 351(2) તથા આઈ.ટી. એક્ટની કલમ 43(બી), 66 અને 72(એ) હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર સુરેશકુમાર પટેલ ચલાવી રહ્યા છે.
