રાજકોટમાં દાદરા ધોવા મુદ્દે કાકા-ભત્રીજા ઉપર વાઘનખ વડે હુમલો

પાણી નીચેના માળે પહોંચતા થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું; ચાર સામે ફરિયાદ

રાજકોટ શહેરના બાબરીયા કોલોનીમાં દાદરા ધોવાના નજીવા પ્રશ્ને પાડોશીઓ વચ્ચે વણસેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરના માળેથી દાદરા ધોતી વખતે પાણી નીચે જવા જેવા સાધારણ કારણસર થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલ પાડોશીએ વાઘનખ જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરી કાકા અને ભત્રીજા બંનેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, બાબરીયા કોલોનીમાં મેઈન રોડ પર કિશનભાઈ કાકડીયાના મકાનમાં ભાડેથી રહેતા ઉમેશકુમાર જગરામપ્રસાદ વર્મા નામના યુવકના માતા દાદરા સાફ કરી રહ્યા હતા ત્યારે પાણી નીચેના માળે રહેતા રાહુલ નામના શખ્સના રૂમ પાસે ગયું હતું. આ બાબતે રાહુલની પત્ની નિશા અને બહેન પુષ્પાએ મહિલા સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. થોડી જ વારમાં રાહુલ ત્યાં આવી પહોંચ્યો હતો અને આવેશમાં આવીને પોતાના હાથના પંજામાં પહેરેલા વાઘનખ વડે ઉમેશકુમારના માથાના ભાગે ઘા મારી દીધો હતો, જેના કારણે ઉમેશકુમાર લોહીલુહાણ થઈ ગયા હતા.
દરમિયાન, ભત્રીજાને બચાવવા વચ્ચે પડેલા કાકા તિલકરામ પર પણ રાહુલે વાઘનખ વડે માથામાં બે ઘા ઝીંકી દીધા હતા. માથામાં ઊંડા ઘા વાગવાને કારણે ટાંકા આવે તેવી ઈજા થતાં તિલકરામ બેભાન થઈને નીચે પડી ગયા હતા. આ જ સમયે આરોપી રાહુલ, તેની પત્ની નિશા, બહેન પુષ્પા અને બહેનનો પતિ મળીને અન્ય લોકોને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો ઢોરમાર મારવા લાગ્યા હતા. આજુબાજુના લોકો ભેગા થઈ જતાં ઈજાગ્રસ્તોને વધુ મારથી છોડાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં યોગ્ય સારવાર લીધા બાદ ઉમેશકુમાર વર્માની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે રાહુલ, તેની પત્ની નિશા, બહેન પુષ્પા અને બહેનના પતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની કલમ 118(1), 115(2), 352, 54 અને જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ.કલ્પેશસિંહ ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ