બાળકના મોતથી શ્રમિક પરિવારમાં કરુણ કલ્પાંત
રાજકોટના મધરવાડા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના માસુમ બાળકને સાપ કરડી જતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યા માસુમનુ મોત નીપજતા શ્રમિક પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કુવાડવા નજીક આવેલા મધરવાડા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો જીગ્નેશ ઇડાભાઇ મહેશ નામનો 7 વર્ષનો માસુમ વાડીમાં રમતો હતો ત્યારે સાપે ડંખ માર્યો હતો. સર્પદંશથી માસુમને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા માસુમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને મૃતક બાળક બે ભાઇ બે બહેનમાં વચેટ હતો. માતા-પિતા ખેતી કામ કરતા હતા ત્યારે વાડીમાં રમતા માસુમને સાપે ડંખ મારતા મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
