પ્રેમીએ પરિણીત હોવાની હકીકત છૂપાવી ગાંધર્વ લગ્ન કર્યા બાદ તરછોડી દીધાનો આક્ષેપ
શહેરમાં કંપનીમાં કામ કરતા યુવાને પરિણીત હોવાની વાત છૂપાવી શ્રમિક યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગાંધર્વ લગ્ન કર્યા બાદ તરછોડી દીધી હતી. પ્રેમમાં દગો મળતા શ્રમિક યુવતીએ બીમારીના ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં સરદાર હાઇટ્સ કલ્પવનમાં રહેતી રીંકલબેન મનોજભાઇ દાફડા નામની 26 વર્ષની પરિણીતા રાત્રીના સમયે રેસકોર્સ બાલભવન પાસે હતી ત્યારે બીમારીની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં રીંકલબેન મુળ મધ્યપ્રદેશની વતની છે. એક વર્ષ પહેલા રીંકલબેન કંપનીમાં કામ કરતી હતી ત્યારે મનોજ દાફડા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મનોજ દાફડાએ પરિણીત હોવાની વાત છૂપાવી એક માસ પૂર્વે ચોટીલા ખાતે મંદિરમાં રીંકલબેન સાથે ગાંધર્વ લગ્ન કર્યા હતા. બાદમાં પ્રેમી મનોજ દાફડા પરિણીત હોવાનું સામે આવતા રીંકલબેન અને મનોજ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી મનોજ દાફડાએ તરછોડી દેતા રીંકલબેને બીમારીની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી.
