રાજકોટમાં કારખાનામાંથી 4.45 લાખનો દારૂ ઝડપાયો: ઇમિટેશનની ભઠ્ઠી ચલાવતો શખ્સ ઝબ્બે

હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સે દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનું ખુલ્યું; દારૂ મંગાવનાર કુખ્યાત શખ્સની શોધખોળ

રાજકોટના કુવાડવા રોડ ઉપર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં સદરગુરૂ એસ્ટેટ ડેલામાં દુકાન નં.13માં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી ઈમિટેશની ભઠ્ઠીના કારખાનામાંથી કી.રૂ.4,45,440 નો વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો હત્યાના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત શખ્સનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સ્ટાફના મનીષભાઈ ચાવડા, રાજેશભાઈ ચાવડા તથા કનકસિંહ સોલંકીને ચોક્કસ બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર આવેલ ઓડીના શો-રૂમ સામે, રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સદગુરુ એસ્ટેટ ડેલાની દુકાન નંબર 13માં વિદેશી દારૂનો ગેરકાયદે જથ્થો સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત દરોડો પાડી સ્થળ પરથી કુવાડવા રોડ, દીવેલીયા પરામાં રહેતા લાલજી ઉર્ફે લાલો જગદીશભાઈ ડાભી ને ઝડપી લીધો હતો. કારખાના માંથી અલગ અલગ બ્રાન્ડની રૂ.4,45,440ની કિંમતની કુલ 1,392 બોટલો મળી આવી હતી. આ સુઝુકી એકસેસ મોટરસાઈકલ મળી કુલ 35,00,440નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂના કારોબારમાં અગાઉ હત્યા સહિતના સાત ગુનામાં સંડોવાયેલ પરષોત્તમ ઉર્ફે ગુગો જાદવભાઈ કુમારખાણીયાનું નામ ખુલ્યું હતું, જેને પકડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. ઝડપાયેલ આરોપી લાલજી અને ફરાર પરષોત્તમ બંને અગાઉ પણ ચોરી, જાહેરનામા ભંગ અને દારૂબંધી જેવા અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, પ્રોહિબિશન અને ગુનાખોરી પર લગામ કસવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાંગરવા તથા એસીપી (ક્રાઈમ) બી.બી. બસિયાની સુચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના નેતૃત્વમાં ડી.સી.બી.ના સ્ટાફે કામગીરી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ