મા અંબાના ધામ અંબાજી જતાં પદયાત્રીઓ સાથે ધારાસભ્ય ટીલાળા પણ જોડાયા

વિવિધ સેવા કેમ્પો-સ્વયંસેવકોની સેવાને વખાણી

આદ્યશક્તિ જગતજનની માં અંબાના ધામ અંબાજી મુકામે દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મહામેળા અને માતાજીના દર્શનનું સદીઓથી અનેરું અને પવિત્ર મહત્વ રહ્યું છે. આ પાવન અવસરે સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણેથી લાખોની સંખ્યામાં માઈભક્તો પોતાના ઘેરથી ધ્વજાઓ લઈને અંબાજી તરફ પગપાળા પ્રયાણ કરે છે. ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પના ત્રિવેણી સંગમ સમાન આ ભાદરવી પૂનમના મેળા અંતર્ગત જઈ રહેલા પદયાત્રીઓનો ઉત્સાહ વધારવા રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પદયાત્રામાં સહભાગી થઈ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજકોટથી અંબાજી પદયાત્રા મહોત્સવના 25મા ભવ્ય રજત પદયાત્રા મહોત્સવના વિશેષ પ્રસંગે ધારાસભ્યએ પદયાત્રામાં જોડાઈને ભક્તિભાવપૂર્વક હાજરી આપી હતી. અંબાજી જવા નીકળેલા લાખો માઈભક્તો અને વિવિધ સંઘોની સાથે ધારાસભ્ય પોતે પણ થોડા કિલોમીટર જેટલું અંતર પદયાત્રીઓ સાથે પગપાળા ચાલીને માંની આરાધનામાં લીન થયા હતા. ધારાસભ્યશ્રીએ આ પ્રવાસ અંતર્ગત ખોડલધામના ટ્રસ્ટી તેમજ નર્મદા બાયો કેમ લિમિટેડના માલિક દિનેશભાઈ કુંભાણી દ્વારા આયોજિત સેવા કેમ્પ, તેમજ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા ફતેહપુરા ખાતે આયોજિત શ્રી ચામુંડા સેવા કેમ્પ અને માર્ગમાં આવતા અન્ય સેવા કેમ્પોની પ્રવૃત્તિઓને પણ રૂૂબરૂૂ નિહાળી હતી. જેમાં પાટણના પાટીદાર મિત્ર મંડળ દ્વારા સંચાલિત શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ સહિતના અન્ય કેમ્પોના સંચાલકો અને સ્વયંસેવકોની સેવાભાવનાને બિરદાવી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાજકોટના જકાતનાકા પાસે, ટાગોર રોડ (સાઉથ) પર આવેલ આઈ શ્રી અંબા-ખોડિયાર મંદિર (ધારેશ્ર્વર સોસાયટી) દ્વારા આઈ શ્રી અંબા- ખોડિયાર મંદિર દ્વારા પદયાત્રાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 24 વર્ષના સફળ આયોજન બાદ આ વર્ષે સંઘે રપમા વર્ષમાં મંગલ પ્રવેશ કરીને ભક્તિનો અનોખો માર્ગ દર્શાવ્યો છે. હરેશભાઈ પરમાર, કૌશિકભાઈ પઢિયાર, અશોકભાઈ પઢિયાર, મયુરભાઈ પઢિયાર, ધર્મેન્દ્રભાઈ ચૌહાણ અને હાર્દિકભાઈ ટાંક જેવા અગ્રણી આયોજકોની આગેવાની હેઠળ આ માડીનો સંઘ સંસ્કાર, મર્યાદા અને સહનશીલતા સાથે દર વર્ષે અવિરતપણે પદયાત્રીઓની સેવામાં કાર્યરત રહીને ભક્તિભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ