રાજકોટમાં 10 વર્ષના બાળકે દડો નહિ આપતા બે શખ્સે અપહરણ કરી તાવીથાથી છાતી પર ડામ દીધા

સામાજિક સ્તરે ચાલતી સમાધાન વાત નિષ્ફળ જતાં અંતે પોલીસ ફરિયાદ; તપાસનો ધમધમાટ

રાજકોટ શહેરના પુનીતનગર વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મામુલી બાબતમાં રમાતી રમતના ઝઘડામાં 10 વર્ષના એક બાળકને ગરમ તાવીથા વડે છાતીના ભાગે ચાર-ચાર ડામ આપી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હોવાની ઘટના બની છે. આ અંગે માસુમ બાળકની માતા નીતાબેન રાકેશભાઈ કુવરીયાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો અનુસાર, પુનીતનગર વિસ્તારમાં રહેતા ફરિયાદીનો 10 વર્ષનો પુત્ર ઘર પાસેની શેરીમાં અન્ય બાળકો સાથે ક્રીકેટ રમી રહ્યો હતો. તે સમયે ત્યાં આવેલા નવઘણ જીલુભાઈ કુવરીયા (મૂળ રહે. અમદાવાદ) અને હાદિક મહેશભાઈ દંતાણી (રહે. રાજકોટ) નામના બે શખ્સોએ બાળક પાસે રમવા માટે ક્રિકેટનો દડો માગ્યો હતો. જયેશે બોલ આપવાની ના પાડતા બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. નવઘણે જયેશને પોતાના બે પગ વચ્ચે દબાવી દીધો હતો અને હાદિકે ’આને મારા ઘરે લઈ લે’ તેમ કહેતા નવઘણ બાળકના ઘર પાસેથી જ તેનું બળજબરીપૂર્વક અપહરણ કરી ઉચકીને હાદિકના ઘરે લઈ ગયો હતો.
હાદિકના ઘરમાં જઈને હાદિકે રસોડામાંથી તાવીથો ગરમ કરી નવઘણને આપ્યો હતો. ત્યારબાદ નવઘણે લાલચોળ ગરમ તાવીથા વડે જયેશને છાતીના ભાગે એક પછી એક ચાર વખત ડામ આપ્યા હતા. બાળકે બૂમાબૂમ કરી મુકતા આરોપીઓએ તેને છોડી દીધો હતો, જેથી ગભરાયેલો બાળક ઘરે ભાગી આવ્યો હતો. બનાવના બીજા દિવસે સવારે જ્યારે માતા બાળકના શાળાએ જવા માટે કપડા બદલાવતા હતા, ત્યારે છાતી પર દાઝેલાના ચાર ડાઘા જોઈને પૂછપરછ કરતાં માસુમ બાળકે પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. બાદમાં પરિવારે બાળકને તાત્કાલિક સ્થાનિક તબીબ પાસે લઈ જઈને સારવાર અપાવી હતી. બનાવ બાદ પીડિત પરિવારે આરોપીઓના માતા-પિતા સાથે વાતચીત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ આરોપીના પરિવારે જામીન રાખીને સામાજિક સ્તરે સમાધાન કરી લેવાની વિનંતી કરી હતી. સમાજની રીતે મામલો સુલઝાવવાની આટલા સમયથી વાટાઘાટો ચાલતો હતો. પરંતુ સમાધાન નિષફળ જતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ