પઠાણી ઉઘરાણી કરી પરિવાર પર ત્રાસ ગુજારી મહિલાને હવસનો શિકાર બનાવતા ગુનો નોંધાયો’તો
રાજકોટ જિલ્લાના વિંછીયામાં વ્યાજે રૂપિયા આપી પઠાની ઉઘરાણી કરી મહિલાને હવસનો શિકાર બનાવવાના વ્યાજ વટાવ અને દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ, વીંછીયામાં રહેતા ફરિયાદીએ રમેશભાઈ ઠાકરશીભાઈ પંચાળા પાસેથી માસિક 10 ટકાના વ્યાજે રૂ.10,000 લીધા હતા, જે રૂપિયા વ્યાજ સાથે પરત ચૂકવી આપ્યા હતા. ત્યારબાદ પોતાના દીકરાના લગ્ન પ્રસંગ માટે ફરિયાદીએ 20 ટકાના ઊંચા વ્યાજે રૂ.1,50,000 લીધા હતા. જેનું ત્રણ મહિનામાં રૂ.90,000 જેટલું વ્યાજ ભર્યા બાદ ફરિયાદીએ પત્નીના નામે બેંક લોન મેળવીને આરોપીને વધુ રૂ.1,00,000 ચૂકવી દીધા હતા. છતાં આરોપી રમેશે વધુ રૂ.80,000ની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી પરિવારને ધમકીઓ આપી માનસિક ત્રાસ ગુજાર્યો હતો તથા ફરિયાદીના પુત્રનું બાઈક પણ ગેરકાયદેસર રીતે પડાવી ગયો હતો. ફરિયાદી ઘરે હાજર ન હતા ત્યારે આરોપી રમેશ તેના ઘરે પહોંચ્યો હતો. પૈસાની ઉઘરાણી કરી ફરિયાદીની પત્નીને ધમકાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના સમયે ફરિયાદી સ્થળ પર પહોંચી જતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ ફરિયાદ ન કરવા વારંવાર ધમકીઓ આપતો હતો. આખરે કંટાળીને ફરિયાદીએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. આરોપીએ પોતાના વકીલ મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે ચાલી જતા કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં મૂળ ફરિયાદી વતી યુવા એડવોકેટ જયદીપભાઈ વી. ગીડા અને કૌશલરાજસિંહ ડી. વાળા રોકાયા હતા.
