ગેરેજ સંચાલક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર જૂની માથાકૂટનો ખાર રાખીને ગેરેજમાં તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. કેલાશપાર્ક સોસાયટીમાં રહેતા અને ઓટો ગેરેજનો ધંધો કરતા 35 વર્ષીય વિક્રમભાઈ રણજીતભાઈ મકવાણાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત મુજબ, સોલવન્ટ ફાટક પાસે મંગલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી ’વિક્રમ ઓટો ગેરેજ’ નામની દુકાન પર રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સુમારે ઇબ્રાહિમ ઉર્ફે બોદીયો તથા ભુરો નામના બે શખ્સો આવ્યા હતા. અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખીને આ બંને શખ્સોએ ગેરેજ બહાર લગાવેલા બે સી.સી.ટી.વી. કેમેરામાં તોડફોડ કરી આશરે રૂપિયા 6,000નું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત બહાર પડેલી બે મોટરસાયકલના અલગ અલગ સ્પેરપાર્ટ્સમાં ભાગંતોડ કરીને આશરે રૂપિયા 15,000નું નુકસાન પહોંચાડ્યું હતું. આમ, આરોપીઓએ ગેરેજ માલિકને કુલ રૂપિયા 21,000 જેટલું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
રાત્રિના સમયે તોડફોડ કર્યા બાદ પણ આરોપીઓનો અહમ સંતોષાયો નહોતો. સવારના સમયે ઇબ્રાહિમ ઉર્ફે બોદીયો પોતાની પાસે ધારદાર છરી લઈને ફરીથી ગેરેજ પર આવ્યો હતો. જોકે તે સમયે ગેરેજ માલિક વિક્રમભાઈ ત્યાં હાજર ન મળતા, આરોપીએ ગેરેજની બાજુમાં આવેલી પાનની દુકાનના માલિકને છરી બતાવીને ભયનો માહોલ ઊભો કર્યો હતો. આરોપીએ પાનવાળાને ધમકી આપતા જણાવ્યું હતું કે, વિક્રમ ગેરેજે આવે એટલે તેને છરીના ઘોદા મારીને પતાવી જ દેવો છે. આમ આરોપીઓએ જાહેરમાં જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપીને ભય ફેલાવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ફરિયાદી વિક્રમભાઈ મકવાણાની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ઇબ્રાહિમ ઉર્ફે બોદીયો અને ભુરા સામે વધુ તપાસ હાથ ધરી છે.
