રાજકોટમાં દેવામાં ડૂબેલા યુવાને દારૂમાં ફીનાઇલ ભેળવી પી લીધું

માલીયાસણમાં રિસામણે બેઠેલી પરિણીતાએ પતિના ત્રાસથી વખ ઘોળ્યું

રાજકોટ શહેરમાં માંડા ડુંગરમાં વિસ્તારમાં આવેલી પીઠડ આઈ સોસાયટીમાં રહેતા યુવાને દેવું વધી જતા ભીસરી પાસે દારૂમાં ફીનાઇલ ભેળવી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. માંડા ડુંગર વિસ્તારમાં આવેલી પીઠડઆઈ સોસાયટીમાં રહેતા વિપુલ ગોવિંદભાઈ ચૌહાણ નામનો 30 વર્ષનો યુવાન ભીસરી ગામે હતો ત્યારે દારૂમાં ફીનાઇલ ભેળવી પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં વિપુલ ચૌહાણ બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને અપરિણીત છે. વિપુલ ચૌહાણ ઉપર દેણું થઈ જતા દારૂમા ફીનાઇલ ભેળવી પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં સાસરૂ ધરાવતી અને હાલ માલીયાસણમાં માવતરે રીસામણે રહેતી રીઝવાનાબેન સતારભાઇ ખેબર (ઉ.વ.32) નામની પરિણીતાએ સાંજે ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. રીઝવાનાબેન હાલ માલીયાસણ ખાતે માતા ઝરીનાબેન ઇશાભાઇ ભાલવાણીના ઘરે રીસામણે છે. તેણીના લગ્ન દસ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં પાંચ વર્ષનો દિકરો છે. તેણીના માતા ઝરીનાબેને આક્ષેપ કર્યો હતો કે દિકરી રીઝવાનાને તેનો પતિ સતાર ઘણા સમયથી દારૂ પી ત્રાસ આપે છે. આ કારણે તેણી ત્રણ મહિનાથી મારા ઘરે રીસામણે આવી છે. હવે તેણીનો પતિ ફોન કરીને પોતાના દિકરાને લઇ જશે તેમ કહી ધમકી આપતો હોઇ તેના કારણે તેણીએ ઘઉંમાં રાખવાની ટીકડી પી લીધી હોવાના આક્ષેપો અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ