રાજકોટમાં આઈશર ટ્રકમાં ખીચોખીચ ભરેલા 10 પશુના જીવ બચાવતી પોલીસ ગૌરક્ષક ટીમ

ચાલક સામે પશુ પ્રત્યે ઘાતકીપણાની ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ

રાજકોટ શહેરના કટારીયા ચોકથી એઈમ્સ હોસ્પિટલ તરફ જતાં માર્ગ પરથી પશુઓ પ્રત્યે અત્યંત દર્દનાક ક્રૂરતા અને ગેરકાયદેસર હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે. મવડી 150 ફટ રિંગ રોડ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા જીવદયા કાર્યકર કિશનભાઈ લશ્કરીને જામનગરના ગૌરક્ષક મિત્ર જે.ડી. આહિર તરફથી ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવ્યા અનુસાર, એક આઈશર ટ્રકમાં ભેંસોને ટૂંકા દોરડા વડે બાંધીને, ઘાસચારા કે પીવાના પાણીની કોઈ પણ સગવડ વિના ગેરકાયદેસર રીતે ધુલિયા તરફ લઈ – જવામાં આવી રહી હતી. આ માહિતી મળતા જ ગૌરક્ષકોની ટીમે માધપર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. ત્યારબાદ ગાડી મેસુરભગત ચોકથી આગળ કટારીયા ચોક એઈમ્સ રોડ તરફ જતી હોવાનું માલૂમ પડતાં તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાનમાંથી મહિલા પોલીસકર્મી જસવંતિબેન સ્થળ પર પહોંચ્યા હતા અને ગૌરક્ષકો સાથે મળીને શંકાસ્પદ આઈશરને અટકાવ્યો હતો. પોલીસ અને ગૌરક્ષકોએ આઈશરના પાછળના ભાગે બાંધેલી તાલપત્રી અને પાટીયા ખોલીને તપાસ કરતા અત્યંત દયાજનક દ્રશ્યો સામે આવ્યા હતા. વાહનની અંદર 9 ભેંસ અને 1 નાનું બચ્ચું અત્યંત ખીચોખીચ અને નિર્દયતાપૂર્વક બાંધેલા મળ્યા હતા. તમામ પશુઓના ગળા અને પગ ખૂબ જ ટૂંકી દોરીઓથી બાંધેલા હતા અને વાહનમાં તેમના ખોરાક કે પાણી માટે કોઈ વ્યવસ્થા નહોતી. પોલીસે સ્થળ પર જ વાહનચાલક જયેશ અલગોતરની અટકાયત કરી રૂ. 95 હજારની કિંમતના 10 પશુઓને ક્રૂરતામાંથી મુક્ત કરાવ્યા હતા અને રૂા. 5 લાખની કિંમતનો આઈશર ટ્રક કબ્જે કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ. પી. ગઢવીની માર્ગદર્શિકા હેઠળ પી.એસ.આઈ. એમ. એસ. મહેશ્વરીએ આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ ચાલુ કરી છે.

રિલેટેડ ન્યૂઝ