અરજીઓના નિકાલમાં વિલંબ અને વ્યવહારુ મુશ્કેલીઓ અંગે રેવન્યુ બાર એસો. દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત
રાજકોટ શહેરમાં અશાંત ધારા હેઠળ થતી મિલકત વેચાણ અને ટ્રાન્સફરની અરજીઓમાં અરજદારો તેમજ વકીલોને વેઠવી પડતી ભારે મુશ્કેલીઓ અને પ્રક્રિયામાં થતા બિનજરૂરી વિલંબને લઈને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન એક્શનમાં આવ્યું છે. એસોસિએશનના હોદ્દેદારો અને એડવોકેટોના પ્રતિનિધિમંડળે રાજકોટના પ્રાંત અધિકારીની રૂબરૂ મુલાકાત લઈને આ બાબતે વિસ્તૃત રજૂઆત કરી હતી. આ બેઠક દરમિયાન અશાંત ધારા હેઠળની વિવિધ પ્રક્રિયાઓ અને તેમાં ઊભી થતી વહીવટી અડચણો અંગે ગંભીરતાપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
વકીલો દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અશાંત ધારા હેઠળની મિલકતોના વેચાણ અને મંજૂરી માટેની અરજીઓના નિકાલમાં લાંબો સમય લાગી રહ્યો છે. આ ઉપરાંત પ્રક્રિયા દરમિયાન સબમિશન અને વેરિફિકેશનમાં ઉદ્ભવતી વ્યવહારુ મુશ્કેલીઓના કારણે સામાન્ય અરજદારો અને કાયદાકીય સહાય પૂરી પાડતા એડવોકેટો બંનેને આર્થિક તથા સમયની દ્રષ્ટિએ ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી આ તમામ પડતર અરજીઓનો સમયસર અને પારદર્શક રીતે નિકાલ થાય તે માટે યોગ્ય પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી.
રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના વકીલોની રજૂઆતને પ્રાંત અધિકારીએ અત્યંત ગંભીરતાથી અને સકારાત્મક રીતે સાંભળી હતી. તેમણે ખાતરી આપી હતી કે અશાંત ધારા સંબંધિત અરજીઓની ચકાસણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવામાં આવશે અને પડતર પ્રશ્નોના વહેલી તકે ઉકેલ માટે જરૂરી કાયદાકીય અને વહીવટી કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. પ્રાંત અધિકારીશ્રીના આ હકારાત્મક અભિપ્રાયથી વકીલોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
આ સમગ્ર રજૂઆત દરમિયાન રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના એડવોકેટઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની એકજૂટતા દર્શાવી હતી. એસોસિએશન દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે પ્રાંત અધિકારીશ્રીના આ અભિગમ બાદ હવે અશાંત ધારા હેઠળની અરજીઓની કામગીરીમાં ઝડપ આવશે, જેનાથી અરજદારોને પડતી મુશ્કેલીઓમાં મોટો પાયે રાહત મળશે અને સમગ્ર પ્રક્રિયા વધુ સરળ બનશે.
