ગોંડલ યાર્ડના વેપારી પાસેથી ડુંગળી લઈ ગોધરાના શખ્સે 21.38 લાખનો ધુંબો મારી દીધો

રૂબરૂ પૈસા આપી જઈશ કહી ફોન બંધ કરી દીધો; બી ડિવિઝનમાં ફરિયાદ

ગોંડલ માર્કેટીંગ યાર્ડના વેપારી પાસેથી ગોધરાની શ્રીજી આલુ ભંડાર પેઢીના સંચાલકે કટકે કટકે રૂ. 29.38 લાખનો માલ મંગાવી રૂ. 8 લાખ ચૂકવી બાકી રહેતા રૂ. 21.38 લાખ નહિ ચૂકવી ઠગાઈ આચરી હતી. વેપારીએ વારંવાર પૈસાની ઉઘરાણી કરતા હું તમને રુબરુ આવીને પૈસા આપી દઈશ તેવું જણાવી મોબાઈલ સ્વીચ ઓફ કરી ગઠિયો ભૂગર્ભમાં ઉતરી જતાં અંતે વેપારીએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. અગાઉ આ શખ્સે જેતપુરના વેપારી સાથે પણ રૂ.15.61 લાખની છેતરપિંડી આચરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના મોવિયા રોડ પર હુસેન મસ્જિદની પાછળ રહેતા 60 વર્ષીય વૃદ્ધ વેપારી જુમ્માભાઈ ઇબ્રાહીમભાઈ દોઢીયાએ આરોપી તરીકે ગોધરાની શ્રીજી આલુ ભંડાર નામની પેઢીના સંચાલક રાહુલનું નામ આપી બી’ડીવીઝન પોલીસ માં કરેલી ફરિયાદ માં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડમાં સેડ નંબર એ-142 માં ખુશ્બુ ટ્રેડીંગ નામની ડુંગળી તથા લસણની ખરીદ-વેચાણની ભાગીદારી પેઢી છે. જેમાં ગોંડલ નાં રાજુભાઈ ચકુભાઈ બાબરીયા તથા ફરિયાદી નાં ભાણેજ અજમલભાઈ ઇબ્રાહીમભાઈ ઘાડા (રહે.ગોંડલ) ભાગીદાર છે.
ગઇ તા.12/08/2026 ના રોજ સવારના આશરે 10/30 વાગ્યે હું મારી ખુશબુ ટ્રેડીંગ પેઢીની ઓફીસે હતા. ત્યારે તેમના મોબાઈલ માં ફોન આવેલ કે હું રાહુલભાઈ ગોધરાથી બોલુ છુ. મારે ગોધરામાં શ્રીજી આલુ ભંડાર નામની પેઢી છે અને હું તેનો માલીક છું. આ પેઢી હું છેલ્લા ચાર વર્ષથી ચલાવુ છું. હું તમને તમારા તમામ માલના રૂપીયા આપી દઈશ તેમ વાત કરી મને વિશ્વાસ આપી કહેલ કે, મારે 10 ટન ડુંગળી જોઇએ છે. જેથી જુમાભાઇ એ તેને ડુંગળીના બજાર ભાવ કહેતા તે સહમત થઈ ગયેલ અને 250 થેલી ડુંગળી જેનો વજન 10006 કિ.ગ્રા. જેની કીમત રૂ.2,08,145 નું બીલ બનાવી ટ્રક મારફત મોકલેલ હતો. બાદમાં રાહુલભાઈ અને જુમાભાઇ વચ્ચે મોબાઈલ ઉપર વાતચીત થતી હતી. આમ વિશ્ર્વાસ કેળવી રાહુલભાઇ ઓર્ડર આપતા રહેતા હતા. આમ જુમાભાઇ એ છ થી સાત વખત ડુંગળી મોકલી આપી હતી.
તમામ ડુંગળીની કુલ 2169 થેલી હોય જે તમામ ડુંગળીનો કુલ વજન 86778 કિલો ગ્રામ જેની કુલ કિમત રૂ.29,38,431 નો માલ મોકલેલ હતો. રાહુલભાઈ એ કટકે કટકે આંગડીયા પેઢી મારફતે કુલ રૂ.8 લાખ મોકલેલ હતા જયારે બાકી રહેતા રૂ. 21,38, 431 બાબતે મે અવાર નવાર ફોન કરી રાહુલભાઈ પાસે ઉઘરાણી કરતા તેણે હું બહાર છું, રૂબરૂ આવી તમને આપી જાવ છું તેમ જણાવ્યું હતું. બાદ ગઇ તા.30/08/2026 ના રોજથી રાહુલભાઈએ ફોન બંધ કરી દીધેલ હતો. જેથી ગોધરાની પેઢીના સંચાલકે ગોંડલ યાર્ડના વેપારી પાસેથી રૂ. 29.38 લાખની ડુંગળી મંગાવી તેના પેમેન્ટ પેટે કટકે કટકે રૂ. 8 લાખ ચૂકવી બાકીના નાણાં રૂ. 21.38 લાખ નહિ આપી મોબાઈલ સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી જતાં અંતે વેપારીએ બી’ડીવીઝન ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
ગોંડલ માર્કેટીંગ યાર્ડના વેપારી પાસેથી ડુંગળીનો જથ્થો મંગાવી રૂ. 21.38 લાખનો ચૂનો ચોપડનાર રાહુલ વિરુદ્ધ અગાઉ 15 દિવસ પૂર્વે જેતપુર પોલીસ મથકે પણ ઠગાઈનો ગુનો નોંધાયો હતો. જેતપુરના કણકીયા પ્લોટમાં આવેલી આર.એમ. ટ્રેડિંગ પેઢીના માલિક કલ્પેશભાઈ ભાગવાણી પાસેથી ડુંગળી-લસણનો માલ મંગાવી ગોધરાની શ્રીજી આલુ ભંડાર પેઢીના સંચાલકે રૂ. 15.61 લાખની છેતરપિંડી આચરી હતી. રૂ. 22 લાખનો માલ મંગાવી ફક્ત રૂ. 6.40 લાખ ચૂકવી અન્ય નાણાંનું બુચ મારી દેતા વેપારીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ