ગોંડલ નજીક બેફામ કારે એકિટવાને હડફેટે લેતા દંપતિ-પુત્રનું કરૂણ મોત

ભત્રીજીની ખબર પુછવા જઇ રહેલા પરિવારને કાળ ભેટયો
અનીડા ભાલોડીના એકજ પરિવારના ત્રણ સભ્યોના મોતથી અરેરાટી: મહીલા કાર ચાલકની શોધખોળ હાથ ધરતી પોલીસ: એકી સાથે ત્રણ અર્થી ઉઠતા ગામ શોકમગ્ન

ગોંડલ તાલુકાના ઘોડાવાદર અને રામોદ ગામ વચ્ચે અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપભેર આવી રહેલી એક કારે એક્ટિવાને જોરદાર અડફેટે લેતાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અનીડા ગામે એક જ પરિવારમાંથી ત્રણ ત્રણ અર્થી ઉઠતા ગામ શોકમગ્ન બન્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ અનિડા ભાલોડી ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા જયેશભાઈ કરશનભાઈ બગડા (ઉં.વ. 40), તેમનાં પત્ની શાંતુબેન (ઉં.વ. 37) અને તેમનો 13 વર્ષનો પુત્ર વ્રજ પોતાની ભત્રીજીની ખબર પૂછવા માટે એક્ટિવા ૠઉં 03 કજ 5971 પર રામોદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘોઘાવાદર-રામોદ વચ્ચે સવારે દશ નાં સુમારે પૂરપાટ ઝડપે ધસી આવેલી ૠઉં 23 ઈઋ 0472 નંબર ની કાર ના ચાલકે એક્ટિવાને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા અને કાર બંને માર્ગની સાઈડમાં ખાબક્યા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર એક મહિલા ચલાવી રહી હતી. બનાવ અંગે જાણ કરાતાં જ પોલીસ કાફલો તથા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતના કારણે રસ્તા પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. માતા પિતા સાથે મોત ને ભેટેલો વ્રજ ખાનગી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો જયેશભાઈ ને સંતાન માં વ્રજ ઉપરાંત સોળ વર્ષ ની દિકરી છે.જે ઘરે તેના દાદા પાસે હતી.અને સાથે આવી ન હતી.અકસ્માત માં તેણીએ માતા પિતા અને ભાઇ ગુમાવ્યા છે. બનાવ ની કરુણતા એછે કે જયેશભાઈ એ બચપન માં માતા ગુમાવ્યા બાદ તેના પિતા કરશનભાઇ એ જયેશભાઈ ઉપરાંત ત્રણ દિકરીઓ નો ઉછેર કરી તમામ ને પરણાવી પિતા ની ફરજ પુર્ણ કરી હતી.એકનાં એક પુત્ર અને ઘડપણ નાં સહારા એવા પુત્ર જયેશભાઈ ઉપરાંત પુત્રવધુ તથા પૌત્ર નાં અકસ્માત માં મોત નિપજતા વયોવૃદ્ધ કરશનભાઇ ભાંગી પડ્યા હતા અને હતપ્રત બન્યા હતા. અકસ્માત ની ઘટના બાદ ત્રણેય મૃતદેહ ને પીએમ માટે ગોંડલ હરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યા પીએમ બાદ અનિડા પંહોચતા કરવા માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડે ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ તથા નિહાર ના સામાન ની વ્યવસ્થા કરી હતી. કાર ચાલક આણંદના રહેવાસી હિરલબેન નીરજભાઈ પટેલ જેમના પતિ કાજુના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના અન્ય ત્રણ મહિલા સ્નેહીઓ સાથે કારમાં સાળંગપુર અને ગોંડલ અક્ષર મંદિરે દર્શન કરવા આણંદથી મધરાતે 2:30 વાગ્યે નીકળ્યા હતા. પરંતુ ગોંડલ અક્ષર મંદિરે પહોંચે તે પહેલાં જ વહેલી સવારે ઘોઘાવદર નજીક તેમની કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકજ પરિવારના ત્રણ સભ્યો ના મોત નીપજતા કારમાં સવાર મહિલાઓ ભારે આઘાતમાં સરી પડી હતી. હિરલબેન આ ગોઝારી ઘટનાથી એટલા હેબતાઈ ગયા હતા કે તેઓ અકસ્માત અંગે કંઈ પણ બોલવાની કે પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નહોતા. બનાવ અંગે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ