એઈમ્સ રાજકોટ ખાતે 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી

આયુર્વેદ ઓ.પી.ડીમાં 4,500થી વધુ દર્દીઓએ સારવાર લીધી

11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે એઈમ્સ રાજકોટ ખાતે આયુર્વેદ વિભાગ દ્વારા આયુર્વેદ અને સ્વસ્થ જીવનશૈલી અંગે લોકોમાં જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એઈમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એલ. એન. દોરાઈરાજન, ડેપ્યુટી ડિરેક્ટર લેફટનન્ટ કર્નલ અંકુર પ્રતાપ સિંહ, ડીન ડો. સંજય ગુપ્તા, ડીન ડો. અશ્વિની અગ્રવાલ, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. પિંકી સાહુ, વિવિધ વિભાગોના ફેકલ્ટી સભ્યો, કર્મચારીઓ, દર્દીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આયુર્વેદ રોગપ્રતિરક્ષક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત દર્દીઓ અને બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કીટમાં અલગ-અલગ ઉંમરના લોકો માટે આયુર્વેદ આધારિત સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં, જ્યારે પુખ્ત વયના લોકો અને વૃદ્ધોને આયુર્વેદિક ઉકાળો, ગુડુચી ઘનવટી અને પ્રતિમર્શનસ્ય માટેના ડ્રોપ્સ આપવામાં આવ્યા હતા. બદલાતી ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી રાખવા અને રોગપ્રતિકારક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું દર્દીઓ અને બાળકો સહિત 150થી વધુ લોકોએ લાભ લીધો હતો. એઈમ્સ ખાતે આયુર્વેદ ઓ.પી.ડી ની શરૂઆત માર્ચ 2024માં કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 4,500થી વધુ દર્દીઓએ આયુર્વેદિક સારવાર અને માર્ગદર્શનનો લાભ લીધો છે. એઇમ્સના આયુષ વિભાગ માં દર્દીઓ માટે આયુર્વેદ સાથે યોગની સુવિધા પણ ઉપલબ્ધ છે જેમાં એપ્રિલ 2026થી એઈમ્સ રાજકોટ ખાતે યોગ સત્રોની શરૂઆત કરવામાં આવી છે. આયુર્વેદિક સારવારની સાથે, જ્યાં જરૂરી હોય ત્યારે દર્દીની આરોગ્ય સ્થિતિ અનુસાર યોગાભ્યાસ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ અંગે વૈદ્ય પૂજા અભાણીએ સ્પષ્ટતા કરી હતી કે, આયુર્વેદિક સારવાર અને યોગનો ઉપયોગ જરૂરી તબીબી સારવારના વિકલ્પ તરીકે નહીં, પરંતુ યોગ્ય તબીબી દેખરેખ હેઠળ પૂરક અભિગમ તરીકે કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા દર્દીઓમાં આહાર, દિનચર્યા, ઋતુચર્યા અને જીવનશૈલીમાં જરૂરી ફેરફાર સાથે આયુર્વેદિક સારવાર આપવામાં આવે છે. જ્યાં જરૂરી હોય ત્યાં અન્ય તબીબી સારવાર સાથે સંકલિત અભિગમ અપનાવી દર્દીના હિતને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ પ્રસંગે એઈમ્સ રાજકોટ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એલ.એન. દોરાઈરાજને જણાવ્યું હતું કે આયુર્વેદ ભારતની પ્રાચીન અને પરંપરાગત આરોગ્ય પદ્ધતિ છે જેનું મહત્વ આજે પણ જળવાયેલું છે. આધુનિક સમયમાં આયુર્વેદને વૈજ્ઞાનિક પુરાવા, સંશોધન અને યોગ્ય તબીબી અભિગમ સાથે આગળ વધારવાની જરૂર છે અને આયુર્વેદના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવાની ખાસ જરૂર છે આ ઉપરાંત તેમણે વૈશ્વિક સ્તરે આયુર્વેદ ચિકિત્સા પ્રત્યે સતત વધી રહેલી રુચિ, વિશ્વસનીયતા અને સ્વીકાર્યતા અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ