પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2026 સુધી ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે અભિયાનની થીમ સ્વચ્છતામાં સહભાગિતા; સ્વચ્છ ભારત, વિકસિત ભારત રાખવામાં આવી છે. આ અભિયાન હેઠળ ડિવિઝનના રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, હાપા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર, મોરબી સહિત તમામ નાના-મોટા સ્ટેશનો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ સાથે મુસાફરો, રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ જ શ્રૃંખલામાં ભક્તિનગર રેલવે સ્ટેશન પર રિલાયન્સ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા રેલવે કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓના સહયોગથી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન સ્ટેશનના પ્લેટફોર્મ, સરક્યુલેટિંગ એરિયા, કોન્કોર્સ હોલ તેમજ રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. વિશેષ કરીને પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો અને સ્ટેશન પરિસરને સ્વચ્છ તેમજ સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યું હતું.આ અભિયાન દ્વારા રેલવે પરિસરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા, કચરાના યોગ્ય નિકાલ અને પ્લાસ્ટિકના કચરામાં ઘટાડો કરવાની સાથે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્વચ્છ અને સુવ્યવસ્થિત સ્ટેશનો મુસાફરોને સુખદ પ્રવાસનો અનુભવ પૂરો પાડવાની સાથે સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવનાને પણ મજબૂત બનાવે છે.
