કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના ઉપસ્થિત રહ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની સુવિધા અને કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના હેતુથી સંચાલિત કરવામાં આવનાર દવા છંટકાવ ડ્રોન મશીનનું ઉદ્ઘાટન ખડ વંથલી ખાતે કરવામાં આવ્યું હતું. ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે આ ડ્રોન મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી યાર્ડ દ્વારા આ ડ્રોન મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવવાથી ખેડૂતોનો સમય અને ખર્ચ બંનેમાં બચત થશે તેમજ ઓછા સમયમાં વધુ વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકાશે.કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધે અને ખેડૂતોને સરળ, ઝડપી તથા ખર્ચ અસરકારક સુવિધાઓ મળી રહે તે દિશામાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવેલી આ પહેલ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે. આ તકે ગોંડલ ધારાસભ્ય ના પ્રતિનિધિ અને યુવા અગ્રણી ગણેશભાઈ, યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો ખેડૂતો હાજર રહ્યા હતા.
