ગોંડલ, શાપર, રાજકોટના ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો
રાજકોટ ગોંડલ ધોરી માર્ગ પર ભરૂડી ટોલનાકા નજીક હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ પારમેક્સ ફાર્મા લિમીટેડ કંપનીના પ્રોડક્શન વિભાગમાં મોડી રાત્રે બે વાગ્યે આગ ભભૂકી હતી દુર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના ગોંડલ, શાપર અને રાજકોટના સાત ફાયર ફાયટરો દોડી જઈ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની દુર્ઘટનામાં ફસાયેલા બે કર્મચારીઓને ફાયર બ્રીગેડના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં અને જેઓ દાઝી જતાં તેઓને 108 મારફતે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગની ઘટનાથી મોટાપ્રમાણમાં કેમિકલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
વધુ વિગત મુજબ રાજકોટ ખાતે રહેતા અને ઉમંગ અલ્કેશભાઈ ગોસલિયાની હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ પારમેક્સ ફાર્મા લિમીટેડ નામની કેમિકલ બનાવતી ફેક્ટરીમાં મોડી રાત્રે અઢી કલાકે આગ બન્યાની જાણ રાજકોટ ફાયર બ્રિગેડને થતાં ગોંડલ, રાજકોટ અને શાપર ખાતેથી ફાયર ફાયટરોને દોડાવ્યા હતાં. જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની દુર્ઘટનામાં ફસાયેલા મનીષભાઈ ચાવડા અને અશ્ર્વિનભાઈ દુધરેજિયાને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી બચાવી લીધા બન્નેને 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ કોટડા પોલીસ મથકના સ્ટાફને થતાં પીઆઈ સહિતનો કાફલો દોડી ગયો હતો. આગનું કારણ જાણવા પોલીસ દ્વારા એફએસએલની મદદ મેળવાઈ રહી છે. તેમજ આ ફેક્ટરીમાં કેમિકલનો મોટાપ્રમાણમાં જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો છે. મોટી જાનહાની ટળતા તંત્રએ રાહતનો દમ લીધો છે.
