હવે ખેડૂતોને રૂા.10 લાખ સુધીની મળશે તત્કાલ કૃષિ લોન

જામકંડોરણામાં રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભા સંપન્ન
ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ ખેડૂતો અને મંડળીઓ માટે છ જાહેરાતો કરી

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં સોમવારે જિલ્લા કક્ષાની સાત મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સંયુક્ત સભામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ., રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટિંગ યુનિયન લિ., રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લિ. તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લિ.ના કર્મચારીઓની ધિરાણ મંડળી સામેલ થઈ હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા સહિતના અગ્રણી સહકારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભાને સંબોધતા ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના સહકારી માળખાને આ ઊંચાઈએ પહોંચાડવામાં સ્વ. વલ્લભભાઈ પટેલ અને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાનો સિંહફાળો રહ્યો છે. સમગ્ર દેશમાં ટૂંકી મુદતનું અને 0% વ્યાજે ધિરાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં થયો હતો, જેના પરિણામે આજે પણ 2.50 લાખ ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ મળી રહ્યું છે. વર્ષ 2025ની સાધારણ સભામાં બેંકની ડિપોઝિટ રૂા.9,770 કરોડ હતી, જે આજે વધીને રૂા.11,400 કરોડ પર પહોંચી ગઈ છે. ચાલુ વર્ષે રૂા.7,213 કરોડનું ધિરાણ 0% દરે આપવામાં આવ્યું છે, જ્યારે અકસ્માત વીમા માટે રૂા.15 કરોડનું પ્રીમિયમ બેંકે જાતે ભર્યું છે. બેંકે રૂા.200 કરોડથી વધુનો નફો નોંધાવી મંડળીઓને 15% ડિવિડન્ડ ચૂકવ્યું છે.
ખેડુતો અને મંડળીઓ માટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2026-27ના રૂા.5,000 કરોડના કે.સી.સી. (કેસીસી) ખરીફ ધિરાણ પર મંડળીઓ માટે 1.50% વ્યાજ માર્જિન જાહેર કરાયું, જેની કુલ રકમ રૂા.75 કરોડ થશે. ટર્મ લોન ખેતી વિષયક “કૃષિ તત્કાલ લોન” એકરે રૂા.80,000 કરી મહત્તમ મર્યાદા રૂા.7 લાખથી વધારીને રૂા.10 લાખ કરવામાં આવી છે.
“કૃષિ વિકાસ લોન” એકરે રૂા.60,000 કરી મહત્તમ મર્યાદા રૂા.4 લાખથી વધારીને રૂા.6 લાખ કરાઈ છે.
કેન્દ્ર સરકારની ’સહકાર સે સમૃદ્ધિ’ યોજના હેઠળ નવીન કામગીરી અને સોફ્ટવેર ડેટા એન્ટ્રી બદલ લોન મેળવતી દરેક મંડળીના મંત્રીને રૂા.10,000 પ્રોત્સાહક રકમ અપાશે. ઉપરાંત ખાતર, બિયારણ અને આનુષંગિક વ્યવસાયની વર્કિંગ કેપિટલ માટે મંડળીઓને 9.50% વ્યાજ દરે રૂા.25 લાખની કેશ ક્રેડિટ યોજના જાહેર કરાઈ, જેમાં રાજ્ય સરકાર 5% વ્યાજ સહાય આપશે. વધુમાં વધુ ખેડૂતોને કેસીસી હેઠળ આવરી લેવા માટે વર્ષ 2027-28માં મંડળીઓના સ્ટાફને પ્રોત્સાહિત કરવા અંદાજે રૂા. 25 લાખનું ઈન્સેન્ટિવ ફાળવાશે.

ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન 25 ઓક્ટોબર સુધી લંબાવાયું: મંત્રી જીતુ વાઘાણી
કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતલક્ષી મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રસ્તામાં ખેડૂતોના મગફળીના પાથરા જોતાં ટેકાના ભાવે ખરીદી માટેના રજીસ્ટ્રેશનની મુદત વધારવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોના હિતમાં રજીસ્ટ્રેશનની તારીખમાં વધારાના 15 દિવસ ઉમેરીને હવે 25 ઓક્ટોબર સુધી ખેડૂતો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
સહકારી ક્ષેત્રના નેતા બનવા જાત ઘસી લોકો માટે જીવવુ પડે: શંકર ચૌધરી
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંબોધનમાં જણાવ્યું કે, “હું જ્યારે બનાસ બેંકનો ચેરમેન બન્યો ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા પાસેથી પ્રેરણા લીધી હતી. તેમણે વાવેલા વૃક્ષને આજે જયેશભાઈએ વટવૃક્ષ બનાવ્યું છે.” સહકારી રાજકારણ અંગે સૂચક ટકોર કરતાં તેમણે ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રના નેતા એકાદ-બે કે પાંચ વર્ષમાં બની શકાતું નથી, તેના માટે પોતાની જાત ઘસીને લોકો માટે જીવવું પડે છે અને ગામથી લઈને જિલ્લા સુધી સિંચન કરવું પડે છે.

રિલેટેડ ન્યૂઝ